4 June 2018

નવસારીના ટ્રાફિકનું કારણ રિંગરોડ બનાવવામાં વિલંબ


નવસારી શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધેલી ટ્રાફિકની સમસ્યાનું એક મુખ્ય કારણ રિંગરોડ બનાવવામાં થઈ રહેલો વિલંબ પણ હતું. જો રિંગરોડ બની જાય તો શહેરનો ટ્રાફિક ઓછામાં ઓછો 25થી 30 ટકા જેટલો ઓછો થઇ જાય એમ છે.

નવસારી પંથકમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે. વધેલા વાહનોની સામે રોડ (રસ્તા) માં નહિવત યા ખૂબ ઓછો વધારો થયો છે. જેના કારણે હયાત રોડ ઉપર ટ્રાફિક લગભગ આખો દિવસ જ રહે છે. પીક અવર્સ દરમિયાન તો મુખ્ય રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જો રિંગરોડ બને તો નવસારીના ટ્રાફિક સમસ્યા હળવી થાય એમ છે.

રિંગરોડ પ્રકાશ ટોકીઝથી વિરાવળ ભેંસતખાડા, ઇસ્લામપુરા (જુના થાણા) સુધીનો છે. વિકાસ પામી રહેલું નવસારી મુખ્ય શહેર તથા વિજલપોર શહેર, કાંઠા વિસ્તાર, દક્ષિણ તરફના ગામડાંના લોકોએ સુરત તરફ યા નેશનલ હાઇવે નંબર-48 તરફ જવા માટે રિંગરોડ આશીર્વાદરૂપ છે. આ તરફના લોકોને નવસારી શહેરમાં મુખ્ય વિસ્તારમાં જવું જ નહીં પડે! પ્રકાશ ટોકીઝથી વિરાવળ થઇ સુરત તરફ જઇ શકાય તો સાથે વિરાવળથી ભેંસતખાડા-જુના થાણા થઇ નેશનલ હાઇવે તરફ પણ જઇ શકાય છે. જેને લઇને નવસારીનાં મુખ્ય તથા આંતરિક રોડના ટ્રાફિકમાં ઘટાડો થઇ શકે છે.

ઓછામાં ઓછા 25થી 30 ટકા ટ્રાફિકમાં ઘટાડો થતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ શકે છે. આમ નવસારી શહેરનો ટ્રાફિક ઘટાડવામાં રિંગરોડ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઇ શકે છે. નવસારી શહેરનો એક મોટો ટ્રાફિક રિંગરોડ ઉપર 'ડાયવર્ટ' થઇ જશે. આમ, રિંગરોડ બને તો નવસારીના ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે તેમ છે.