5 June 2018

ઘેલખડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, 10 લાખની મત્તાની ચોરી


નવસારીનાં ઘેલખડી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના 37 તોલા દાગીના તથા વિદેશી ચલણ સહિત કુલ રૂ.10 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ છે.

મકાન માલિક પરિવાર સાથે ગામ ગયા હતા
નવસારી ઘેલખડી વિસ્તારમાં આવેલા મહેર પાર્ક સોસાયટીમાં રહેતા સોહગકુમાર હરિલાલ ટંડેલ પોતાના મૂળ વતન ઓંજલ માછીવાડ ગામે ગયા હતા. જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ગયા હતા. ઘરમાં મુકેલ કબાટનું લોક તોડી 37 તોલા સોના-ચાંદીના દાગીના, રોકડા 10 હજાર, 400 અમેરીકન ડોલર અને 100 યુરોની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ સોહગ ટંડેલને તેની જાણ કરતા તેમણે ઘરે આવી તપાસ કરતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય ત્રણ મકાનને નિશાન બનાવાયા 
ઘેલખડીની મહેર પાર્ક સોસાયટીમાં ચોરી સોહગ ટંડેલના મકાનમાંથી તસ્કરોએ ચોરી કર્યા બાદ સોસાયટીના અન્ય ત્રણ મકાનને પણ નિશાન બનાવ્યા હતા. જોકે તેમાં તેઓ ફાવ્યા ન હતા. જિતેન્દ્રભાઇ, રમણભાઇ જોશી, મોહનભાઇ બાબરભાઇ પટેલ અને રાહુલ અમરસિંહ ચૌધરીનાં મકાનનાં તાળા તોડી નાંખી ચોરીનો પ્રયાસ કરાયો હતો. રાહુલ ચૌધરીના મકાનમાંથી ચાંદીના ઝાઝરની ચોરને બાદ કરતા આ ત્રણે મકાનોમાં ચોરી કરવામાં તસ્કરો ફાવ્યા ન હતા.