9 June 2018

ભાજપે નવસારી પાલિકાના પ્રમુખ માટે છેલ્લી ઘડીએ ઉમેદવારને મેન્ડેટ આપ્યો


નવસારી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અલકાબેન દેસાઇ અને ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રાની ટર્મ આગામી દિવસોમાં પૂર્ણ થશે. પાલિકાના આગામી પ્રમુખ માટે પાલિકામાં શુક્રવારે ચૂંટણી યોજાઇ હતી. આ વખતે પાલિકા પ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષે અંતિમ ઘડી સુધી પ્રમુખના ઉમેદવાર માટે મેન્ડેટ ન આપતા સસ્પેન્સ રહ્યુ હતુ.

મડાગાંઠ ન રહેતા અશ્વિન કાસુન્દ્રા ફરી ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા 
ભાજપે પ્રમુખની ચૂંટણી અગાઉ જ કાન્તિભાઇ પટેલના નામનો મેન્ડેટ આપ્યો હતો. અીં ઉલ્લેખનીય છે કે પ્રમુખપદની રેસમાં કર્ણ હરિયાણીનું નામ પણ ચાલી રહ્યુ હતુ. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પણ નવસારી બેઠક માટે આ જ સિનારીયો જોવા મળ્યો હતો. પાલિકાના ઉપપ્રમુખપદે અશ્વિન કાસુન્દ્રા ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી નવસારી નગરપાલિકાના પ્રમુખપદને લઈને ચાલતા વાદવિવાદ અને અટકળોનો આખરે શુક્રવારે સુખદ અંત આવતા ભાજપમાં 'હાશ' જોવા મળી હતી.

નવસારી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અલકાબેન દેસાઈ અને ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રાની નિર્ધારિત અઢી વર્ષની મુદત પૂરી થઈ રહી હોય આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઈ હતી.આગામી અઢી વર્ષ માટેના પ્રમુખનું પદ બક્ષીપંચ માટે અનામત હોય ભાજપમાં બક્ષીપંચના કોર્પોરેટરની દાવેદારી શરૂ થઈ ગઈ હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી બે નામો કાન્તિભાઈ પટેલ અને કર્ણ હરિયાણીના નામ માટે ભાજપમાં ભારે ખેંચતાણ ચાલી હતી.

ચૂંટણી અધિકારીના સંબોધનથી વિવાદ 
પાલિકાના પ્રમુખની ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી ભોગાયતાના સંબોધને વિવાદ જગાવ્યો હતો. તેમણે પ્રમુખની તરફેણમાં મતો જાહેર કરી સામે તેના વિરોધમાં મતો પડ્યાની વાત કરતા કોર્પોરેટરોએ નારાજગી દર્શાવી હતી. કોંગ્રેસ ઉપરાંત કેટલાક ભાજપી કોર્પોરેટરોએ પણ ઉભા થઈને કહ્યું કે જે 13 મત પડ્યા છે તે કાન્તિ પટેલની વિરૂદ્ધમાં નહીં પરંતુ પિયુષ ઢીમ્મરના સમર્થનમાં કહેવાય !આપનું સંબોધન યોગ્ય નથી. બાદમાં ચૂંટણી અધિકારીએ સંબોધન સુધારી લીધુ હતું.

અપક્ષ સભ્યો કોંગ્રેસ પક્ષ તરફે રહ્યા 
નવસારી પાલિકાના વોર્ડ 11મા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર કૃતિકા વૈદને પક્ષે સસ્પેન્ડ કર્યા હતા. જેથી તેઓ કેટલાક સમયથી પાલિકામાં અપક્ષ તરીકે જ છે. તેઓ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કયા પક્ષ તરફ ઢળશે એ તરફ ઘણાંની મીટ હતી. જોકે કૃતિકા વૈદે ચૂંટણીમાં કોંગી ઉમેદવારને જ મત આપી હજુ કોંગ્રેસમાં જ હોવાની પ્રીતિ કરાવી હતી.

પ્રમુખ-ઉપપ્રમુખ માટે સભ્યોનો સેન્સ ન લેવાયો 
પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કોર્પોરેટરોના મતથી થતી હોય છે. આમ કોર્પોરેટરોનો મત જ સૌથી મહત્ત્વનો હોય છે. આમ છતાં નવસારી પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં કોર્પોરેટરોનો 'સેન્સ' ન લેવાયાની નારાજગી કેટલાકે ખાનગીમાં દર્શાવી હતી. જોકે સ્થાનિક સંગઠન, મોવડીઓ આ બાબતે ચૂપ જણાતા હતા.