13 June 2018

વિજલપોરમાં ડહોળું પાણી, લીકેજ શોધવા કવાયત


વિજલપોરનાં વોર્ડ નંબર-9 માં આવેલા રામનગરમાં પાલિકા દ્વારા અપાતું પાણી ડહોળું, દૂષિત આવતા લોકોની બૂમરાણ મચી હતી. પાલિકાએ સોમવારે સાંજે અને આજે મંગળવારે સવારે પણ લોકોને પાણી આપવા ટેન્કરો દોડાવવા પડ્યા હતા. વિજલપોર શહેરમાં પૂર્વ બાજુએ વોર્ડ 9 માં રામનગર-3 નો વિસ્તાર આવેલો છે. રામનગર-3 ઉપરાંત નજીકનાં વિસ્તારમાં મુખ્યત્વે હિન્દીભાષી લોકો વધુ રહે છે. આ વિસ્તારમાં પાણીનો પુરવઠો વિજલપોર પાલિકા પૂરો પાડે છે. સોમવારે સાંજે પાલિકા દ્વારા જે પાણી આપવામાં આવ્યું હતુ કે ડહોળું અને દૂષિત આવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. રામનગર-3 અને તેની નજીકનાં વિસ્તારમાંથી ખાસ કરીને દૂષિત પાણી આવ્યું હતુ. દૂષિત પાણીની ફરિયાદ પાલિકા તંત્રના કાને ગઇ અને મોડી સાંજ બાદ પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને પાણી આપવા ટેન્કર દોડાવ્યા હતા.

સોમવારે સાંજ બાદ મંગળવારે સવારે પણ ડહોળું પાણી આવતાં લોકો મુશ્કેલીમાં મુકાયા
સોમવાર સાંજ બાદ આજે મંગળવારે સવારે પાલિકા દ્વારા પાણી અપાતા તે પણ ડહોળું અને દૂષિત જ આવ્યું હતુ. જેથી લોકોને શુદ્ધ પાણી મળી શક્યું ન હતુ જેથી મંગળવારે સવારે પણ પાલિકાએ પાણીનું એક ટેન્કર રામનગર-3 વિસ્તારમાં મોકલ્યું હતુ. મળતી માહિતી મુજબ દૂષિત પાણી શા કારણે આવ્યું તેની જાણકારી મેળવવા મંગળવારે પાલિકા તંત્રની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ગઇ હતી અને લીકેજ શોધવા લાઇન ચકાસણી કામગીરી હાથ ધરી હતી. દૂષિત ડહોળું પાણી પીવાના લોકોનું આરોગ્ય કથળ્યાની જાણકારી મળી ન હતી. રામનગર-3 તથા તેની નજીકમાં 250 થી વધુ ઘરોનાં 1200 થી વધુ લોકો ડહોળા પાણીથી મુશ્કેલીમાં મૂકાયા હતા.

પ્રશ્ન હલ થઇ ગયો છે
રામનગર-3 વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજને કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઉભો થયો હતો. જો કે માણસો બોલાવી કામગીરી કરી દેવાઇ છે અને હવે પ્રશ્ન હલ થઇ ગયો છે. પાણીની ટેન્કર પણ મોકલવામાં આવી હતી. - દિલીપસીંહ ભદોરીયા, કોર્પોરેટર, વોર્ડ.9

પાણીની બોટલ વેચાતી લેવી પડે છે
અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા દિવસોથી છે. ગમે ત્યારે પાણી આવે છે અને પાણી આવે ત્યારે 25 મિનીટ, અડધો કલાક, કેટલો સમય આવે તે નક્કી જ હોતું નથી.અમારે પીવા માટે 30 રૂપિયાની બિસલરીની બે બોટલો રોજ લેવી પડે છે. -  સુનીલ નિશાદ, રહેવાસી રામનગર-3, વિજલપોર

પાલિકાના વોર્ડ.9 માં પાણીની સમસ્યા વધુ
વિજલપોરનાં વોર્ડ.9 નાં કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા બે દિવસથી જ છે એવું નથી. કેટલાય દિવસોથી  છે.જોકે મહદઅંશે સમસ્યા અપૂરતા પાણીની છે, ડહોળા પાણીની ન હતી. અહીં પાણીની સમસ્યાની ચકાસણી પાલિકાએ કરતાં ગેરકાયદે લાઇન ઉપર જ મોટરો મૂકાઇ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ અને મોટરો પાલિકાએ કબજે પણ કરી હતી.

મેનેજમેન્ટ જ નથી
રામનગર-3, રામનગર-2 વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. પાણીની સમસ્યા માટે પાલિકાતંત્રનું કોઇ મેનેજમેન્ટ નથી અને પાલિકાને ચિંતા નથી. લોકોએ ફિલ્ટર પાણી લેવું પડે છે. - ગંગાધર શુક્લા, કોર્પોરેટર, વોર્ડ.9