15 June 2018

વિજલપોરમાંથી ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બે બોગસ ડોકટર ઝડપાયા


નવસારી એસઓજીની ટીમે વિજલપોર વિસ્તારમાંથી મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર અને પ્રમાણિત ડિગ્રી ન હોવા છતાં પ્રેકટીસ કરનાર બે ડોકટરોને ઝડપી પાડી રૂ. 34 હજારથી વધુની કિંમતનો દવાનો જથ્થો તથા ડોકટરની પ્રેકટીસના સાધનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિત અનુસાર નવસારી એસઓજીમાંથી મળતી માહિતી મુજબ નવસારી એસઓજીના પીઆઈ કે.જી. લીમ્બાચીયા તથા તેની ટીમે મળેલી બાતમીના આધારે તાલુકા આરોગ્ય અધિકારી ડો. નીતિન પટેલને સાથે રાખી વિજલપોર વિઠ્ઠલ મંદિરની સામેની ગલીમાં સાંઈ દવાખાનામાં રેડ કરી હતી.

એ વખતે શંકરદાસ વિષ્ણુ નામનો ડોકટર મળી આવતા પોલીસે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર કે પ્રમાણિત ડિગ્રી માંગણી કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. આ ડિગ્રી અને રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર ન હોવા છતાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હોવાનું જણાય આવતા પોલીસે ડોકટરી પ્રેકટીસના સાધનો તથા રૂ. 10460ની કિંમતની દવાનો જથ્થો કબજે લીધો હતો.

આ ઉપરાંત પીએસઆઈ આર.જે. ઠુમરને વિજલપોર ચોકીની સામે પણ શિવમ ક્લિનિક નામનું બોગસ દવાખાનું ચાલે છે એવી બાતમી મળતા પોલીસે બાતમીના સ્થળે રેડ કરી હતી. જ્યાં શંકર વિશ્વાસ નામનો યુવાન પણ ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હોવાનું પોલીસને તપાસ દરમિયાન માલુમ પડતા પોલીસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર કે પ્રમાણિત ડિગ્રીની માંગણી કરતા તેની પાસે તે ન મળી આવતા પોલીસે ત્યાંથી પ્રેકટીસના સાધનો તથા દવા મળી રૂ. 23843 મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો.

આ રેડ દરમિયાન પકડાયેલા બંને બોગસ ડોકટરો વિરૂદ્ધ જલાલપોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. નીતિન પટેલે ગુજરાત મેડિકલ પ્રેકટીસ એકટ હેઠળ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

image: GujaratMitra