16 June 2018

ડેમમાં પાણી ઓછું હોવાથી હજુ નવસારીમાં પાણીકાપ યથાવત


વરસાદ હજુ પૂરતો શરૂ થયો નથી અને અનિશ્ચિતતા છે તેથી નવસારી પાલિકા હજુ શહેરમાં પાણીકાપ યથાવત રાખશે.

ગત ચોમાસામાં ઓછો વરસાદ પડતાં ઉકાઇ-કાકરાપાર ડેમ પૂરતો ભરાયો ન હતો. ડેમમાં અપૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી તથા શહેરોને અપાતા પાણીમાં કાપ મૂકાયો હતો, જેથી નવસારી પાલિકાને અપાતા નહેરનાં પાણીમાં કાપ મૂકાયો હતો. નહેરનું પાણી અપૂરતું મળતાં છ-સાત મહિનાથી નવસારી પાલિકાએ શહેરીજનોને અપાતા પાણીનામાં કાપ મૂકવાની ફરજ પડી હતી.

હાલ પણ પાલિકા અઠવાડિયામાં 4 દિવસ બે ટાઇમ અને ત્રણ દિવસ તો એક જ ટાઇમ પાણી શહેરીજનોને આપી રહી છે.નહેરનું રોટેશન હાલ નથી પરંતુ સુરત કેનાલનું કેટલુક પાણી નવસારીના તળાવને ભરવા માટે અપાઇ રહ્યું છે, જે બે-ત્રણ દિવસમાં બંધ થશે. ત્યારબાદ કેનાલનું પાણી ક્યારે પૂન: મળશે તેની કાઇ જ ગેરંટી નથી. વરસાદ પણ પૂરતો શરૂ થયો નથી. આ અંગે નવસારી પાલિકાનાં પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ જણાવ્યું કે 'હાલનો પાણીનો શીડ્યુલ જારી જ રહેશે.

જ્યાં સુધી વરસાદ પૂરતો ન પડે અને ડેમ ન ભરાય ત્યાં સુધી આજ સ્થિતિ રહેવાની શક્યતા છે. નહેરનું પાણી પૂન: ક્યારે મળશે તે પણ નક્કી નથી.'