17 June 2018

નવસારીમાં માત્ર 7 મિ.મી. વરસાદમાં જ રસ્તા પર પાણીનો ભરાવો, ગટરો જામ


નવસારીમાં શનિવારે અચાનક જ વરસાદી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાકાભડાકાની સાથે તૂટી પડેલા વરસાદને લઈ ગણતરીની મિનિટોમાં જ નવસારી પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી. નવસારીમાં માંડ 7 મિ.મી. વરસાદમાં જ ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીના ગટરના ઢાંકણો ઉપર કચરો જામ થતા સાફસફાઈમાં બેદરકારી પણ બહાર આવી હતી. નવસારી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કર્યા બાદ મોટાપાયે સાફસફાઈ અભિયાન ઉપાડી લેવાયું હતું. ઉપરાંત શહેરમાં પ્લાસ્ટિકનો કચરો ન પડે તે માટે પણ અભિયાન ઉપાડ્યું હતું. જોકે પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ થયાનો પાલિકા સત્તાધિશોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આજે શનિવારે માંડ 7 મિ.મી. વરસાદ પડતા જ ઠેર ઠેર પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.

પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કર્યા બાદ મોટા પાયે સાફસફાઈ અભિયાન ઉપાડી લેવાયું હતું
માંડ 7 મિ.મી.માં જ લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ચોમાસામાં લોકોની હાલત કેવી હશે તે વિચારવું રહ્યું. જોકે હજી પણ ચોમાસુ પુરું બેઠુ નથી ત્યારે વહેલી તકે પાલિકા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરે તો જ લોકો માટે હિતાવહ રહે તેવી શક્યતા છે. નવસારીના જૂનાથાણા, પાંચહાટડી, દશેરા ટેકરી-તલાવડીના વિસ્તારમાં તો આ વરસાદે પાણીનો ભરાવો થતા લોકોમાં બૂમરાણ ઉઠી હતી.


કયા કયા વિસ્તારમાં પાણીથી લોકો પરેશાન
નવસારીમાં શૈલેષ પાર્ક, દશેરા ટેકરી, રાધા-માધવ, આદર્શનગર (ગ્રીડરોડ), નાગતલાવડી, નંદિની એપાર્ટમેન્ટ, ગડકરી માર્ગ, સેન્ટ્રલ બેંકથી ટાવર રોડ, જૂનાથાણા ટર્નિંગ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જતું હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય પગલાંની દરકાર લેવાતી નથી.


કાર્યવાહી કરી પાણીનો નિકાલ કરવો જોઈએ
શોપિંગ સેન્ટર પાસે વર્ષોથી પાણી ભરાઈ જાય છે પરંતુ તેના નિકાલ અંગે પાલિકા દ્વારા કાર્યવાહી થતી નથી. તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ શાકભાજી માર્કેટ તરફ જવા માટે ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. તંત્ર જાગે તો સારુ.- નિરજકુમાર, નવસારી

તપાસ કરાવીને જરૂર પડ્યે કામગીરી કરાવી દઈશ
મારે થોડા દિવસો જ થયા છે એટલે પ્રિમોન્સુન કામગીરી થયા અંગેનો હાલ હું એ બાબતે તપાસ કરાવી લઈશ અને જરૂર પડ્યે કામગીરી કરાવવાની સૂચના આપી દઈશ.- કાંતિભાઈ પટેલ, પ્રમુખ, નવસારી પાલિકા

પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઈ જ નથી
શહેરમાં ચોમાસામાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાવો થાય છે, દર વર્ષે લોકો પાલિકામાં રજૂઆત કરે છે પરંતુ તે પાણી ભરાવાના પ્રશ્નોનો કોઈ હલ થતો નથી. નજીવા વરસાદમાં જ સ્થિતિ ખરાબ છે ત્યારે હજી ચોમાસુ કેવી રીતે નીકળશે એ મોટો પ્રશ્ન છે.- પ્રમોદભાઈ રાઠોડ, વિપક્ષી નેતા, નવસારી પાલિકા