18 June 2018

સાડા છ વર્ષથી મંજૂરી ટલ્લે, નવી માર્કેટો પડતર


નવસારી નગર પાલિકાએ લાખો-કરોડોના ખર્ચે તૈયાર કરેલી નવી માર્કેટો (શોપિંગ સેન્ટર) હરાજી વિના પડતર હાલતમાં ધૂળ ખાઇ રહી છે. એક માર્કેટ અંદાજે 3 વર્ષથી તો એક માર્કેટની તો સાડા છ વર્ષથી હરાજી થઇ શકી નથી. સાડા છ વર્ષ પહેલાં આ નવી માર્કેટ તૈયાર થઇ ત્યારે ભોંય તળિયે બનાવેલી શાક માર્કેટની જગ્યા તો વેપારીઓને અપાઇ ગઇ હતી પરંતુ પહેલા માળે બનાવેલી દુકાનોની હરાજી હજુ થઈ નથી.

જૂની માર્કેટના સ્થાને વિવેકાનંદ માર્કેટ તથા જયશંકર પ્લોટ તથા દુધિયા તળાવ માર્કેટની જગ્યાએ પણ માર્કેટ બનાવાઇ છે 
સામાન્યત: માર્કેટો જર્જરિત થઇ ગઇ હોય તો તે પડતર હાલતમાં પડી રહે છે. પરંતુ અહીંની નગર પાલિકાએ બનાવેલી બે નવીન માર્કેટો હરાજીથી વેચાણ થયા વિના પડી રહી છે અને રીતસર ધૂળ ખાઇ રહી છે. નવસારી શહેરમાં પાલિકાએ અનેક નવી માર્કેટોનું નિર્માણ કર્યુ છે. જેના થકી ઉક્ત માર્કેટો જ્યાં બની ત્યાં વિકાસ થયો છે. સાથે હરાજી થકી પાલિકાને સારી આવક પણ થઇ છે. આવી જ એક નવી માર્કેટ પાલિકાએ દુધિયાતળાવ શાક માર્કેટની જગ્યાએ બનાવી હતી. સાડા છ વર્ષ પહેલાં આ નવી માર્કેટ તૈયાર થઇ ત્યારે ભોંય તળિયે બનાવેલી શાક માર્કેટની જગ્યા તો વેપારીઓને અપાઇ ગઇ હતી પરંતુ પ્રથમ માળે બનાવેલી દુકાનોની હરાજી આજદિન સુધી (સાડા છ વર્ષ સુધી) કરી શકાઇ નથી. આ માર્કેટનું નામ 'સ્વામી વિવેકાનંદ માર્કેટ' અપાયું હતું.

આવી જ રીતે અઢી વર્ષ અગાઉ પારસી હોસ્પિટલની સામે જયશંકર પાર્ટી પ્લોટ નજીક માર્કેટ બનાવી છે. આ માર્કેટમાં તૈયાર થયેલ દુકાનોની હરાજી પણ આજદિન સુધી કરવામાં આવી નથી. આ નવીન માર્કેટ પડતર થઈ ધૂળ ખાઈ રહી છે, બારીના કાચ પણ તૂટવાના શરૂ થઈ ગયા છે. આમ પાલિકાની બે-બે નવી માર્કેટ કરોડોના ખર્ચે બનાવાઈ તો છે પરંતુ હરાજી કરી શકાય નથી.

નવસારી પાલિકાએ બનાવેલી જયશંકર પ્લોટ નજીકની નવી માર્કેટની દુકાનોની હરાજી હજુ બાકી છે. પાંચહાટડી નજીકની દાદાભાઇ નવરોજી માર્કેટનું ડિમોલિશન ક્યારે થશે?

દાદાભાઈ માર્કેટ તોડવામાં વધુ પડતો વિલંબ
નવસારી નગર પાલિકાએ નવી માર્કેટ બનાવવાની સાથે જુની માર્કેટ તોડી નવી બનાવવાની યોજના પણ બનાવી છે. આ યોજના અંતર્ગત શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલ દાદાભાઇ નવરોજી માર્કેટ પણ નવી બનાવવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત છેલ્લા ચારેક વર્ષથી તો નવી માર્કેટ માટે બજેટમાં નાણાં ફાળવણી પણ પાલિકા કરતી રહે છે પરંતુ માર્કેટ બની નથી. છેલ્લા દોઢ-બે વર્ષથી પાલિકા સત્તાધીશો ત્યાંના દુકાનદારો સાથે જુની માર્કેટ તોડવા સંદર્ભે વાટાઘાટો કરી રહી છે પરંતુ વાટાઘાટો સફળ થઇ નથી.

માર્કેટમાં પાલિકાની ઓફિસો ખસેડાઇ 
પાલિકા કચેરીને અડીને શાકમાર્કેટ ઉપર બનાવેલ વિવેકાનંદ માર્કેટમાં ઘણો સમય દુકાનો ખાલીખમ પડી રહી હતી. હાલ જ્યારે નવસારી પાલિકા કચેરીને રીનોવેટ કરવાનું કામ ચાલે છે ત્યારે કેટલાક વિભાગોની ઓફિસ ત્યાં માર્કેટની દુકાનોમાં ખસેડાઇ છે. જોકે, આ વ્યવસ્થા કામચલાઉ જ છે.

વિવેકાનંદ માર્કેટ 
  • અંદાજિત ખર્ચ 2 કરોડથી વધુ 
  • ખર્ચનો સ્ત્રોત પાલિકાનો સ્વભંડોળ 
  • દુકાનની સ્થિતિ 13 દુકાન + 1 હોલ 
  • ક્યારે તૈયાર થઇ સાડા છ વર્ષ અગાઉ 
  • હેતુ જર્જરિત માર્કેટની જગ્યાએ નવી બનાવવી

જયશંકર પ્લોટ નજીકની માર્કેટ 
  • અંદાજિત ખર્ચ અંદાજે અઢી કરોડ 
  • ખર્ચનો સ્ત્રોત પાલિકાનો સ્વભંડોળ 
  • દુકાનની સ્થિતિ 11 દુકાન+1 હોલ 
  • ક્યારે તૈયાર થઇ અઢી વર્ષ અગાઉ 
  • હેતું નવા વિસ્તારનો વિકાસ 

હરાજીની મંજૂરી મળી નથી 
બંને શોપિંગ સેન્ટર (માર્કેટ) માટે હરાજી કરવા સરકારમાંથી મંજૂરી માંગી છે જે મળી નથી. વિલંબ જરૂર થયો છે. પરંતુ હવે હરાજી કરવાની નજીકના દિવસોમાં જ મંજૂરી મળી જશે. જયંતી ગોપાણી ચેરમેન, પ. વ. કમિટી પાલિકા