19 June 2018

વિજલપોર પાલિકાને નવસારી પાલિકા પાસે નહેરનું પાણી લેવા માટે કરાર કરવો પડશે


વિજલપોર શહેરનાં 1 લાખ લોકોને મીઠું, શુદ્ધ (ફિલ્ટર) પાણી આપવા માટે તૈયાર કરેલી કરોડોની પાણી યોજના માટે નહેરનું પાણી ન મળતા મામલો કલેક્ટરના દરબારમાં સોમવારે ગયો હતો. કલેક્ટરે નવસારી પાલિકાને નહેરનું પાણી વિજલપોર પાલિકાને આપવા જણાવ્યું હતુ, પરંતુ હાલ નવસારી પાલિકાને શહેરીજનોને પુરતા પ્રમાણમાં પાણી આપી શકતી નથી. નવસારી પાલિકા હાલ શહેરીજનોને અઠવાડિયામાં બે દિવસ એક જ ટાઇમ પાણી આપે છે, તો વિજલપોરને કંઇ રીતે આપશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નવસારી પાલિકાને નાગધરા કેનલમાંથી પાણી મળે તો આ પ્રશ્નનો મહદઅંશે ઉકેલ આવી શકે તેમ છે.

વાટાઘાટો સફળ ન થતાં મામલો ઘોંચમાં મૂકાયો
વિજલપોર શહેરમાં પાલિકા બન્યાને 23 વર્ષ થયા ત્યારથી અહીંની પાલિકા બોરનું પાણી જ શહેરીજનોને આપે છે. થોડા વર્ષો અગાઉ વિજલપોર પાલિકાએ પણ ‘મધુર પાણી યોજના’ બનાવી હતી, જે થોડા દિવસો અગાઉ જ પૂર્ણ થઇ છે. અંદાજે 13 કરોડનાં ખર્ચે પાણીની યોજના તો તૈયાર થઇ પરંતુ યોજના માટે સૌથી જરૂરી એવા ‘પાણી’ નો મામલો ગૂંચમાં મુકાઇ રહ્યો છે. વિજલપોર પાલિકાએ પણ તેની મધુર જળ યોજના માટે નહેરનું પાણી જ મેળવવાનું છે અને તે નવસારી પાલિકા પાસેથી મેળવવાનું છે, પરંતુ આ પાણી ક્યાંથી, કેવી રીતે અને કેટલું મેળવવાનું તે બાબતે નજીકની નવસારી પાલિકા સાથે થયેલી વાટાઘાટો સફળ ન થતાં મામલો ઘોંચમાં મૂકાયો છે.

આખરે આ પાણીનો મામલો જિલ્લાનાં વહીવટી વડા જિલ્લા કલેક્ટર વડા ડો.મોડીયાનાં દરબારમાં આજે સોમવારે ગયો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલી હાઇ લેવલની મિટીંગમાં વિજલપોર અને નવસારી પાલિકાનાં ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત જલાલપોરમાં ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇ પણ હાજર રહ્યાં હતા, સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને પાલિકાઓએ પોતાની દલીલો પેશ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે નવસારી નગરપાલિકાને તેને મળતા નહેરના પાણીમાંથી નહેરનું પાણી વિજલપોર પાલિકાને આપવા જણાવ્યું હોવાની જાણકારી મળી છે. જોકે પાણી કઇ રીતે આપવું, કેટલું આપવું, ક્યાંથી આપવું એ બાબત હજું સ્પષ્ટ થઇ નથી. બંને પાલિકા વચ્ચે કરાર થશે, એમાં શરતો મુકાશે, શરતો બંનેને માન્ય હશે કે નહીં તે બાબતો ઉપર નિર્ભર રહેશે.

મુશ્કેલી કેમ સર્જાય ?
વિજલપોર પાલિકા અને નવસારી પાલિકા વચ્ચે નહેરના પાણી ઝઘડાનું કારણ નાગધરા કેનાલ યોજના હોવાનું જાણવા મળ્યું છે. આ યોજના અંતર્ગત નાગધરાથી નવસારી પાલિકાએ પાણીની લાઇન નાંખી હોવા છતાં આ લાઇનમાં લીકેજ જ આવ્યા કરે છે અને નાગધરા લાઇનમાંથી પાણી નવસારી પાલિકાને મળી શક્યું નથી. વિજલપોરને પણ નાગધરા લાઇનમાંથી જ પાણી આપવાનું નક્કી થયું હતુ પરંતુ નવસારીને આ લાઇનમાંથી મળે તો વિજલપોરને આપેને ? હવે નવસારી પાલિકાને હાલ જે નહેરનું પાણી મળે છે તે તેના માટે પૂરતું નથી તો વિજલપોરને કેવી રીતે આપે અને આ મુદ્દાથી જ વિવાદ સર્જાયો છે.

વિજલપોરની પાણી યોજનાની વિગત
- યોજનાનું નામ-વિજલપોર શહેરને આવરી લેતી પાણી પુરવઠા યોજના - કુલ ખર્ચ- 13 કરોડ રૂપિયા - હેતું- વિજલપોરના લોકોને શુદ્ધ પાણી આપવું - નાણાંનો સ્ત્રોત- સરકારી ગ્રાંટ - પાણીનો સ્ત્રોત- કાકરાપાર કેનાલનું પાણી - સ્ટોરેજ તળાવ-રામનગર ‘ચંદન તળાવ’ - પૂર્ણ થઇ- સંપૂર્ણ પૂર્ણ 2018 માં

બેઠક ફળદાયી રહી
કલેક્ટર સાથેની બેઠક ફળદાયી નીવડી છે. નવસારી પાલિકાને પાણી આપવા જણાવ્યું છે. તે અનુસાર બે-ત્રણ દિવસમાં શરતો નક્કી થશે, બંને પાલિકાનાં પ્રમુખો સહી કરશે અને પતી જશે. - રાજુ ગુપ્તા, મ્યુનિ. ઇજનેર, નવસારી પાલિકા

નવસારીને પાણી આપવા જણાવાયું
‘કલેક્ટરે પાણી આપવા નવસારી પાલિકાને કહ્યું છે. આ માટે કરાર તૈયાર થશેે. હમણાં નવસારી જે લાઇનમાંથી પાણી લે છે. તેમાંથી પાણી આપવા જણાવ્યું છે. પહેલાં એમનું તળાવ ભરે પછી અમને પાણી આપે. - જગદીશ મોદી પ્રમુખ, વિજલપોર પાલિકા

કલેક્ટર સાથેની બેઠક ફળદાયી નીવડી છે. નવસારી પાલિકાને પાણી આપવા જણાવ્યું છે. તે અનુસાર બે-ત્રણ દિવસમાં શરતો નક્કી થશે, બંને પાલિકાનાં પ્રમુખો સહી કરશે અને પતી જશે. > રાજુ ગુપ્તા, મ્યુનિ. ઇજનેર, નવસારી પાલિકા