20 June 2018

બૂલેટ ટ્રેન માટે જમીન આપવા ખેડૂતોની 'ના'


મોદી સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ બૂલેટ ટ્રેન નવસારી જિલ્લામાંથી પણ પસાર થનાર છે. આ ટ્રેન જિલ્લાના 28 ગામોમાંથી પસાર થનાર છે, ત્યારે સરકારે આ પ્રોજેકટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં સરકારે અસરગ્રસ્ત ખેડૂતો પાસે જમીન સંપાદનને લગતા વાંધા મંગાવ્યા છે. જે અંતર્ગત ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો સામૂહિક વાંધા રજૂ કરવા મંગળવારે નવસારી ભેગા થયા હતા. નવસારી જિલ્લાના ખેડૂતોએ બૂલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા સામે આજે મંગળવારે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી પહોંચી સામૂહિક રીતે વાંધાઓ જમીન સંપાદન પ્રક્રિયાના સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.


સંપાદન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ ન હોય સંપાદનનું જાહેરનામુ રદ કરવા માંગ
વાંધાઓ રજૂ કરતી વેળા અસરગ્રસ્ત ખેડૂતોએ બૂલેટ ટ્રેન માટે જમીન આપવાની જ ‘ના’ પાડી હતી. નવસારી ભેગા થયેલા ખેડૂતો ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલ, સી.પી. નાયકની આગેવાનીમાં નવસારી પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારી અને જમીન સંપાદનના સક્ષમ અધિકારી કુ. નેહા સિંઘ સમક્ષ સામૂહિક વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા. ખેડૂત સમાજના સ્થાનિક પ્રમુખ સી.પી. નાયકે પ્રાંત અધિકારી સમક્ષ બૂલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયાને અયોગ્ય ગણાવી ખેડૂતોનો સ્પષ્ટ વાંધો હોવાનું જણાવ્યું હતું. વાંધા રજૂ કરવા અગાઉ ખેડૂતોએ કલેકટરાલયમાં નિવાસી એડિશનલ કલેકટર કે.એસ. વસાવાને વાંધાઓ આપ્યા હતા. ખેડૂતોએ ‘બૂલેટ ટ્રેન’ અને સરકારની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. ખેડૂતોએ બૂલેટ ટ્રેનને ‘ફેકુ ટ્રેન’નું નામ આપી ‘ફેકુ ટ્રેન હાય હાય’ના નારા લગાવ્યા હતા. સોમવારે અંદાજે 100 ખેડૂતોએ વાંધા રજૂ કર્યાની જાણકારી મળી છે. ખેડૂતોએ વ્યક્તિગત પણ વાંધા આપ્યાની માહિતી સાંપડી છે.

90 ટકા ખેડૂતોને નોટિસ મળી નથી
જેની જમીન હોય તેને વાંધા રજૂ કરવા માટે વ્યક્તિગત નોટિસો મળવી જોઈએ. આ કિસ્સામાં તો 90 ટકા ખેડૂતોને તો નોટિસ વ્યક્તિગત મળી જ નથી. એકાદ-બેને જ મળી છે. ખેડૂતોને મોડેથી વાંધા રજૂ કરવાની જાણ થતા વાંધા આપવા આવ્યા છે. - સિદ્ધાર્થ કૃપલાણી દેસાઈ, ખેડૂત અગ્રણી, આમડપોર

ખેડૂતોએ રજૂ કરેલા વાંધા

જાહેરનામુ કેન્દ્ર સરકારના કાયદા-2013 સાથે સુસંગત નથી. - રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ પોલિસીન મુજબ કાર્યવાહી કરાઈ નથી. - પર્યાવરણનો અભ્યાસ કરાયો નથી. - સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કરાયો નથી. - સામાજીક અસરો અંગેનો અભ્યાસ કરાયો નથી. - જમીનની બજારકિંમતની જાહેરાત કરી નથી. - એકથી વધુ પાકો આપતી સિંચાઈની સગવડવાળી જમીન સંપાદન થઇ રહી છે. - સંપાદિત વિસ્તારની સ્પષ્ટ માહિતી નથી. - બૂલેટ ટ્રેન જગ્યા માટે અન્ય વિકલ્પો પણ છે.  - પ્રોજેકટ માટે સોશ્યલ અને એન્વાયરમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કરાયું નથી. - જાહેર હિતની વાસ્તવિકતા તપાસી અન્ય વિકલ્પો અંગે અભ્યાસ કરાયો નથી.

સામસામે
જયેશ પટેલ, પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ
સ. : આપણા દેશમાં બૂલેટ ટ્રેન દોડવી જોઈએ ?
જ. : ના
સ. : કેમ  ?
જ. : કારણ કે આપણે ત્યાં અનેક સુપરફાસ્ટ ટ્રેનના વિકલ્પ છે જ તેમાં કેટલીક 40 ટકા ખાલી જાય છે. ‘તેજસ એન્જિન’ પણ એક સારો વિકલ્પ છે.
સ. : વળતરની ચૂકવણી કેવી રીતે થવી જોઈએ ?
જ. : વળતરની વાત જ નથી પરંતુ જ્યારે મલ્ટીસ્ટેટ પ્રોજેકટ હોય ત્યારે કેન્દ્ર સરકાર યોગ્ય ઓથોરિટી છે અને કેન્દ્રના ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
સ. : નોટિસ વ્યક્તિગત કરવી જોઈએ ?
જ. : નામજોગ નોટિસ આપવી જોઈએ. જે આ કિસ્સામાં મળી નથી.
સ. : હયાત રેલવેની જગ્યામાં પ્રોજેકટ કરી શકાય ?
જ. : જેટલી જગ્યા જોઈએ તેટલી હયાત રેલવેની જગ્યામાં મળી રહે એમ છે. વરસોથી રેલવેએ જગ્યા મેળવી જ છે.

પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી
સ. : બૂલેટ ટ્રેન દોડવી જોઈએ ?
જ. : હા
સ. : કેમ ?
જ. : ‘ગ્લોબલાઈઝેશન’ના સમયમાં સુવિધા મળતી હોય અને બે અઢી કલાકમાં પહોંચી શકાતું હોય તો ખોટુ શું  નવા સમય સાથે કદમ મિલાવવા જોઈએ.
સ. : વળતરની ચૂકવણી કેવી રીતે થવી જોઈએ ?
જ. : વળતર અંગે જે મુશ્કેલી છે તે અંગે અમે રાજ્યના મંત્રી કૌશિક પટેલ તથા રેલવે મંત્રી પિયુષ ગોએલને રજૂઆતો કરી જ છે અને તેઓ પોઝીટીવ છે.
સ. : નોટિસ વ્યક્તિગત આપવી જોઈએ ?
જ. : હા, વ્યક્તિગત આપવી જોઈએ એવું મારુ માનવું છે. તે બાબતે રજૂઆત કરીશ.
સ. : હયાત રેલવેની જગ્યામાં પ્રોજેકટ કરી શકાય ?
જ : બૂલેટ ટ્રેનની તો આખી વાત જ અલગ છે, તે હાલની રેલવેની જગ્યામાં પ્રોજેકટ કરી ન શકાય.