21 June 2018

નવસારી છાપરા રોડ વિસ્તારમાં અનેક સમસ્યાઓ વણઉકેલી


નવસારીના છાપરારોડ વિસ્તારની રહેણાંક સોસાયટીના રહીશોએ છાપરા રોડ ઉપરની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકામાં લેખિત આવેદન આપ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી પાલિકાના છાપરા રોડ ઉપર આવેલી કૈવલ્યધામ સોસાયટી સહિતની સોસાયટીના રહીશોએ નવસારી પાલિકામાં લેખિત આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું કે છાપરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે અને વારંવાર અકસ્માતો થાય છે. કચરાના ઢગલા કાયમ જ રોડ નજીક ખડકાયેલા રહે છે. રખડતા ઢોરો આ કચરાને ફેંદી વેરવિખેર કરતા મુશ્કેલી વધી છે. 

રખડતા જાનવરોના ઝૂંડ રસ્તા રોકીને અ‌વરોધે છે અને તેનાથી અકસ્માત પણ થાય છે. કેટલાક શખ્સો કચરો ફેંકે છે તેનાથી આ વિસ્તાર ગંદો રહે છે. જેથી સીસીટીવી કેમેરા ગોઠવી રોડ ઉપર કચરા ફેંકતા લોકોને પકડવાની કામગીરી કરવી જોઈએ. પાલિકા વિસ્તારની બહારની સોસાયટીના રહીશો જાહેર રસ્તા ઉપર કચરો ફેંકે છે. નવસારી પાલિકા દ્વારા સવારે જેસીબીથી કચરો ઉઠાવવાની કામગીરી થાય છે, જે અપૂરતી જણાઇ રહી છે.

છાપરા રોડ વિસ્તારના રહીશોએ ટ્રાફિકની સમસ્યા જોતા રોડ પહોળો કરવાની માગ પણ કરી છે. પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને કરેલી લેખિત રજૂઆતમાં છાપરા રોડ વિસ્તારના લોકોએ તેમની સમસ્યા દૂર કરવાની માગ કરી છે.