22 June 2018

પાણીના ઝઘડામાં નવસારીના ચીફ ઓફિસરનો ભોગ લેવાયાની ચર્ચા


નવસારી નગરપાલિકાનાં ચીફ ઓફિસર રમેશ જોષીની અચાનક જ બદલી આણંદના સીઓ તરીકે કરી દેવાઇ છે. નવસારી-વિજલપોર પાલિકા વચ્ચે ચાલતા નહેરના પાણીની તકરાર આ માટે કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે.

નવસારી અને વિજલપોર એમ બે પાલિકાનાં ચીફ ઓફિસરપદે રમેશ જોષી દોઢ વર્ષથી કાર્યરત હતા. અચાનક જ બુધવારે રમેશ જોષીની બદલી નવસારીથી આણંદ પાલિકાનાં સીઓ તરીકે કરી દેવાઇ હતી. જોષીની બદલીના કારણ અંગે નવસારી-વિજલપોરમાં ચર્ચા ચાલી છે. તેમાં સૌથી વધુ કારણ બંને પાલિકા વચ્ચે નહેરનાં પાણીનો ઝઘડો કારણભૂત ગણાવાઇ રહ્યો છે.

રમેશ જોષી નવસારી-વિજલપોર બંને પાલિકાનાં સીઓ હતા પરંતુ નહેરના પાણીની તકરારમાં તેઓએ વિજલપોરની તરફેણ કરી હોવાનું સ્પષ્ટ હતુ. નવસારીને કોઇપણ સંજોગોમાં વિજલપોરને પાણી આપવું જ પડશે એવો સ્પષ્ટ મત હતો. જો કે તેમનાં મતથી નવસારીનાં સત્તાધીશોમાં નારાજગી હોવાનું કહેવાય છે. સોમવારે કલેક્ટરની ઉપસ્થિતિમાં બે ધારાસભ્યોની હાજરીમાં બંને પાલિકાની નહેરનાં પાણીનાં મુદ્દે થયેલી બેઠકમાં ભારે ટનાટની અને સીઓ જોષીના રૂખ બાદ તેમની બદલીની માંગ બળવત્તર બની હોવાનું કહેવાય છે.

નવા સીઓ દશરથસિંહ ગોહિલ 
નવસારીનાં સીઓ રમેશ જોષીની આણંદ બદલી થતાં તેની જગ્યાએ નડીયાદ પાલિકામાં સીઓ તરીકે ફરજ બજાવતાં દશરથસિંહ ગોહિલ આવશે. નવસારી પાલિકામાં સીઓ તરીકે અગાઉ પણ ગોહિલ બે વખત સીઓ તરીકે ફરજ બજાવતા ગયા છે. તેઓ નવસારીની સાથે વિજલપોર પાલિકાનાં સીઓનો ચાર્જ પણ સંભાળશે. ગોહિલે ગુરૂવારે નવસારી પાલિકાનાં સીઓનો ચાર્જ સંચાળી પણ લીધો હતો.