23 June 2018

કચરાપેટી ઉઠાવી જગ્યા લોકઉપયોગી બનાવી દેવાઇ


નવસારીમાં ગણદેવી રોડ પર આવેલી કોન્વેન્ટ સ્કૂલની સામે કચરા પેટીવાળી જગ્યાને ચોખ્ખી કરી નવસારીના સ્વચ્છતાના બ્રાંડ એમ્બેસેડર વીસ્પી કાસદ અને તેમની ટીમે લોકોને ઉપયોગમાં આવે તેવી જગ્યા બનાવી બેઠક વ્યવસ્થા ઉભી કરતા એ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઘટ્યું છે. લોકોએ તેમની આ કામગીરીને બિરદાવી હતી. આ બેઠક વ્યવસ્થા લોકો માટે શનિવારે ખુલ્લી મુકાશે.

નવસારીમાં સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધાવવા આપણું નવસારી સ્વચ્છ નવસારીના બેનર હેઠળ બ્રાંડ એમ્બેસેડર એવા વીસ્પી કાસદ તથા તેમની ટીમે શહેરમાં થતી ગંદકી ઉપર બ્રેક લગાવવા પ્રયત્ન હાથ ધર્યા છે. તેમની ટીમ ગંદા વિસ્તારોને શોધી કાઢી તે જગ્યાને ચોખ્ખીચટ બનાવી લોક ઉપયોગી બને તેવા પ્રયાસ કરી રહી છે.

ગણદેવી રોડ પર કોન્વેન્ટ સ્કુલની સામે છેલ્લા ઘણા સમયથી મુકવામાં આવેલ કચરા પેટીના કારણે રોડની બાજુએ મુકેલ કચરા પેટીની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હતુ. સ્કુલમાં બાળકોને મુકવા આવતા વાલીઓ ત્રસ્ત થઇ ગયા હતા. આ બાબત કરાટેકા અને સફાઇ ઝુંબેશના બ્રાંડ એમ્બેસેડર વીસ્પી કાસદને ધ્યાને આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કચરા પેટીવાળા વિસ્તારને સાફ કરાવ્યો હતો. તેઓ પણ તેમની ટીમ સાથે આ સફાઇ ઝુંબેશમાં ઝોડાયા હતા અને એ જગ્યાએ બેઠકની વ્યવસ્થા ગોઠવી ચોખ્ખીચટ બનાવી દેવાઇ હતી.

આ કામગીરીમાં એસબીઆઇ બેંક, બંકીમભાઇ શાહ, જૈશીલ શાહ, રાજુભાઇ દેસાઇ વગેરેનો સહયોગ મળતા વીસ્પી કાસદે તેમનો આભાર માન્યો હતો. વીસ્પી કાસદે જણાવ્યું હતુ કે લોકો શહેરમાં ગમે ત્યાં ગંદકી ના કરે અને કચરો હંમેશા કચરા પેટીમાં જ નાંખે તે જરૂરી છે. શહેરને ચોખ્ખું રાખવામાં આવે તે ખૂબ અનિવાર્ય છે.

નવસારી ગણદેવી રોડ પર કોન્વેન્ટ સ્કૂલની સામે કચરા પેટીને હટાવી ત્યાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવતા લોકોને લાભ મળશે.