23 June 2018

નવસારી નગરપાલિકાની કમિટીમાં ધારાસભ્યના નજીકનાને લોટરી લાગી


નવસારી પાલિકામાં શુક્રવારે કરાયેલી કમિટીની રચનામાં અનેક મોટામાથાને કટ ટુ સાઈઝ કરાયા તો ધારાસભ્ય પિયુષ દેસાઈના અત્યંત વફાદાર કેટલાક કોર્પોરેટરોની લોટરી લાગી અને ખૂબ સારી કમિટી, પદથી નવાજીશ કરાયા છે. વિવાદિત જયંતિ ગોપાણીને એકપણ કમિટી નહીં, ધારાસભ્યના વફાદારોની લોટરી લાગી, શાસક પક્ષના નેતા જીગીશ શાહને ‘લાઈટ’ જેવી કમિટી પકડાવાતા ઠુકરાવી દીધી હતી.

શાસક પક્ષના નેતા જીગીશ શાહને ‘લાઈટ’ જેવી કમિટી પકડાવાતા ઠુકરાવી દીધી
નવસારી નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે કમિટીની રચના કરવા માટે શુક્રવારે ખાસ સામાન્ય સભા મળી હતી. બેઠકમાં કુલ 16 કમિટીઓની રચના કરવાનું કામ હતું. આ કમિટીઓ થકી જ પાલિકાના કરોડો રૂપિયાનો વહેવાર થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં કમિટીઓની ચેરમેનશીપ માટે ભારે ગડમથલ ચાલી રહી હતી. જે કમિટીઓમાં મોટુ બજેટ ફાળવાય છે એ પબ્લિક વર્કસ (બાંધકામ) કમિટી જયંતિ ગોપાણીને જ અપાશે કે અન્યને તે પર સૌની નજર હતી.

જોકે પક્ષે બ્લોકપેવિંગના કામોમાં ભારે વિવાદને લઈને ગોપાણીને પ.વ.કમિટી તો ઠીક જ એકપણ કમિટી ન આપી કટ ટુ સાઈઝ કરી દેવાયા હતા. પ.વ. કમિટીની ચેરમેનશીપ પ્રમુખપદે ન બિરાજી શકેલા કર્ણ હરિયાણીને આપી મનાવી લેવાયા હતા. શાસક પક્ષના નેતા એવા જીગીશ શાહને વિધાનસભાની ચૂંટણી વેળા પિયુષભાઈના હરીફ ભુરાભાઈ શાહ સાથેની નિકટતાને લઈ શાસક પક્ષનું નેતાપદ છીનવી લેવાયું હતું.

લાઈટ કમિટી જેવી સાધારણ કમિટીની ચેરમેનશીપ અપાતા જીગીશે ધરાર ના પાડી ચેરમેનશીપ ઠુકરાવી દીધી હોવાની જાણકારી મળી હતી. આસીત રાંદેરવાલા પાસેથી ટાઉન ડેવલપમેન્ટ જેવી મહત્ત્વની કમિટી લઈ ફાયર જેવી સાધારણ કમિટીની ચેરમેનશીપ અપાઈ હતી. હાલ દારૂનો વિવાદ થતા બદનામ થયેલા ભૂપેશ દૂધાતને એકપણ કમિટીની ચેરમેનશીપ આપવામાં આવી ન હતી. નવસારી નગરપાલિકાના કેટલાક કોર્પોરેટરોની ધારાસભ્યની નિકટતાને લઈ લોટરી લાગી હતી.

જેમાં છાયાબેન દેસાઈને શાસક પક્ષનું નેતાપદ, સંકેત શાહને ટાઉન ડેવલપમેન્ટ કમિટી આપવામાં આવી હતી. ધારાસભ્યના વફાદાર ત્રિભોવન ચાવડા, રાજુ પટેલ, હિંમત પટેલ, શીલાબેન દેસાઈ વગેરે પુન: સારી કમિટી મેળવી શક્યા હતા. તો કેયુરી દેસાઈ, મિનલ દેસાઈ, હેમલતાબેન શુકલ, જશુબેન રાઠોડને પ્રથમ વખત પાલિકાની કમિટીની ચેરમેનશીપ પણ મળી હતી.

એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેનપદ 9મી વાર પ્રેમચંદ લાલવાણીને
નવસારી પાલિકામાં કમિટીની રચના દરમિયાન આજે રેકોર્ડ પણ બન્યો હતો. ફરી એકવાર એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેનપદે પ્રેમચંદ લાલવાણીની જ વરણી કરાઈ હતી. પાલિકામાંથી મળતી માહિતી મુજબ 9મી વખત એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેનપદે બિરાજમાન થયા છે, જે પાલિકામાં રેકોર્ડ છે. તેમના ચેરમેનપદનો કાર્યકાળ બિનવિવાદી રહેવા ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડોના પ્રોજેકટ એક પછી એક આગળ વધ્યા છે. નગરપાલિકા સરકારમાંથી મસમોટી ગ્રાંટ લાવવા સફળ રહી છે.

વિપક્ષી નેતા તરીકે પિયુષ ઢીમ્મરનું નામ આવતા કોંગ્રેસમાં ભડકો
જ્યાં પાલિકામાં કમિટીઓની રચના હતી ત્યાં શુક્રવારે વિપક્ષી નેતાની વરણી થવાની હતી. છેલ્લા એક-બે દિવસથી ચારેક નામો કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યા હતા. જોકે પાલિકામાં સભા અગાઉ કોર્પોરેટર પિયુષ ઢીમ્મરના નામનો મેન્ડેટ આવતા રીતસર ભડકો થયો હતો. પાલિકાની સભામાં કોંગ્રેસના ચૂંટાયેલા 13માંથી 3 સભ્યો પિયુષ ઢીમ્મર, ધવલ દેસાઈ અને પ્રમોદ રાઠોડ જ હાજર હતા, 10 સભ્યો ગેરહાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ અંજુમ શેખનું નામ વિપક્ષી નેતાપદે ચર્ચાતું હતું પરંતુ મેન્ડેટ તેના નામનો આવ્યો ન હતો.પાલિકાની સભામાં વિપક્ષના 10 સભ્ય ગેરહાજર રહેતા હવે પછી સત્તાવાર રીતે બે દિવસ બાદ વિપક્ષ નેતાની જાહેરાત કરવામાં આવશે.

મહિલાઓને 50 ટકા ફાળવણી
કમિટીની રચનામાં ભાજપ દ્વારા મહિલાઓને પણ પ્રતિનિધિ અપાયું હતું. કુલ 16 કમિટીઓમાં 50 ટકા કમિટીઓની ચેરમેનશીપ મહિલા કોર્પોરેટરને આપી હતી. જોકે શાસક પક્ષનું નેતાપદ મહિલા છાયા દેસાઈને અપાયું હતું