25 June 2018

નવસારી ભૂતકાળમાં ખોવાયું, દેશી રમતો ધમધમી


આજે જ્યારે બાળકો મોબાઇલ યુગમાં મોબાઇલ ગેમ્સ જ વધુ રમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રવિવારે નવસારી શહેરમાં દેશી રમતો ધમધમી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઇ 16 જેટલી દેશી રમતો રમી ભૂતકાળને જીવંત કર્યો હતો. આજનો બાળક મોબાઇલ યુગમાં રમતો પણ મોબાઇલની જ રમે છે. જ્યાં જુઓ ત્યાં બાળકો મોબાઇલ લઇ બેસેલા જોવા મળે છે અને મોબાઇલમાં જ ગેમ્સ પણ રમે છે. વહેલી સવારે સાત વાગ્યેથી રમતો શરૂ થઇ હતી અને 10 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકો ભુલાઇ ગયેલી દેશી રમતો રમતા જોવા મળ્યા હતા. શહેરમાં પ્રથમ વખત મોટા પાયે થયેલા આવા આયોજનથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવસારીના દુધિયાતળાવ વિસ્તારમાં પ્રથમવાર મોટા પાયે દેશી રમતોનું આયોજન
ઇન્ડોર-આઉટડોર ગેમ્સ પણ જે થોડી ઘણી રમે છે તે પણ વિદેશી જ રમતો છે. ભારતની પોતાનાં ગામડાંની દેશી રમતો તો શહેર શું હવે તો ગામડામાં પણ ક્રમશ: ભુલાઇ રહી છે. આ પોતાનાં દેશની માટી સાથે જોડાયેલ રમતોને તાજી કરવાનો પ્રથમ વખત જ નવસારીમાં મોટા પાયે પ્રયાસ કરવામાં આવ્યો હતો.નવસારી પાલિકાના સહયોગથી જેસીઆઇ નામની સંસ્થાએ શહેરનાં હાર્દ સમા વિસ્તાર દુધિયા તળાવ રોડ ઉપર રવિવારે દેશી રમતો રમાડવાનું આયોજન કર્યુ હતુ. વહેલી સવારે સાડા છ વાગ્યેથી દેશી રમતો રમવા લોકોનો પ્રવાહ દુધિયા તળાવ ભણી જોવા મળ્યો હતો. 7 વાગ્યેથી શરૂ થઇ 10 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો ભૂલાઇ ગયેલી દેશી રમતો રમતા જોવા મળ્યા હતા. શહેરમાં પ્રથમ વખત મોટા પાયે થયેલા આવા આયોજનથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દોરડા ખેંચ, આંધળી ખીસકોલી, જેવી 16 રમતો લોકો રમતા જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે દેશી રમતો માટેની સ્પર્ધા ન હતી પરંતુ લોકોએ મન મૂકીને આ રમતો રમી ભૂતકાળને જીવંત કર્યો હતા.

વાહનો નહીં રમતો ધમધમી
નવસારીનો દુધિયાતળાવ શોપીંગ સેન્ટર રોડ આમ તો આખું વર્ષ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે જોકે રવિવારની સવાર કંઇક અલગ જ હતી. આ રોડ વાહનોની જગ્યાએ દેશી ભૂલાયેલી રમતોથી ધમધમ્યો હતો. આ રમતો માટે સવારનાં સમયે વાહનો માટે રોડ ઉપરથી વાહનોની અવરજવર બંધ પણ કરાઇ હતી.

80 વર્ષનાં વૃદ્ધોએ ભમરડા ફેરવ્યા
આમ તો દેશી રમતોનાં આયોજનમાં રમતો રમનાર બાળકોની સંખ્યા વધુ હતી પરંતુ મોટી ઉંમરના લોકો પણ ભૂતકાળને જીવંત કરવા રમ્યા હતા. એક 80 વર્ષના વૃદ્ધે ભમરડા ફેરવ્યા તો 60 વર્ષની મહિલાએ ટાયરની રમત રમી હતી. નોંધનીય એ પણ છે કે છોકરીઓએ અહીં ક્રિકેટ પણ રમી હતી.

લોકોમાં ધરબાઈ હતી દેશી રમતોની ચાહત
નવસારીમાં રવિવારનો દિવસ એક રીતે ઉત્સવમય રહ્યો હતો. દેશી ભૂલાયેલી રમતો તો ઘણા લોકો રમ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકો પોતાનાં ભૂલાયેલા ભૂતકાળને વાગોળવા ભેગા થયા હતા. લોકોનો હરખ માતો ન હતો. રીતસર ઉત્સવમય વાતાવરણ બન્યું હતુ. એક વાત તો સાબિત થઇ હતી કે લોકો હજુય આ રમતોને ચાહે છે, તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આ રમતો લોકો રમ્યા
દોરડા ખેંચ, આંધળી ખીસકોલી, લીંબુ ચમચી, કુંડાળા, લખોટી, પગથીયા, નદી કે પર્વત, ભમરડો, ટાયરની રમત, ખો-ખો સંગીત ખુરશી, મહિલા ક્રિકેટ વગેરે રમતો આધેડની વયે પહોંચેલા નવસારીજનો હોંશભેર રમ્યા હતા.





વારંવાર આયોજન કરવાની વિચારણા ‘આવી રમતોનું આયોજન કરવાનું મુખ્ય કારણ હાલનાં મોબાઇલ-કોમ્પ્યુટર યુગમાં આપણી ભૂલાયેલી દેશી રમતોને તાજી કરવાનું છે. આવી રમતોનું હવે અવારનવાર આયોજન કરવાની પણ વિચારણા છે.’ - કોમલ શાહ, રમતોના આયોજનના એક સંચાલક