28 June 2018

નવસારી બાનમાં, ફરી વૃદ્ધના દાગીનાની ઠગાઈ


નવસારીને અડીને આવેલા જમાલપોરમાં વૃદ્ધને છેતરી ગઠિયા રૂ. 70 હજારના દાગીના તફડાવી જતા ચકચાર મચી ગઈ છે. સતત ચેઈન સ્નેચિંગ અને છેતરપિંડીની વધતી જતી ઘટનાને લઈ પોલીસ આ ઠગોને ઝબ્બે કરવામાં સદંતર નિષ્ફળ રહ્યાનું જણાય રહ્યું છે. જમાલપોરમાં ચેઈન સ્નેચિંગ અને છેતરપિંડીની સતત આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. ગઠિયઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવી આ બનતી જતી ઘટનાઓ ઉપરથી ફલિત થઈ ચૂકી છે. નવસારી શહેર ઉપરાંત બીલીમોરામાં પણ આવી ઘટનાઓ અવારનવાર પ્રકશમાં આવી છે. ત્યારે ગઠિયાઓને પોલીસનો કોઇ ખોફ રહ્યો નથી એવું સ્પષ્ટ જણાય રહ્યું છે.

આગળ ચેકિંગ છે અમે પોલીસના માણસો છીએ કહી વુદ્ધના દાગીના કઢાવ્યા, શકમંદો સીસીટીવી કેમેરામાં કેદ થયા 
નવસારીમાં છેલ્લા 25 દિવસમાં અવારનવાર એવી સ્નેચિંગ અને છેતરપિંડી-વિશ્વાસઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. બીલીમોરા, નવસારી શહેર અને તેને અડીને આવેલા જમાલપોરમાં સતત આવી ઘટના એક પછી એક પ્રકાશમાં આવી રહી છે. અગાઉ બનેલી આવી ઘટનાઓમાં પણ મોટાભાગે બાઈક ઉપર જ આવેલા બે ઠગ ચેઈન સ્નેચિંગ અને છેતરપિંડીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

જમાલપોરના કૌશલ્યાપાર્ક સોસાયટીના રહીશ ગુલાબરાવ શ્વાણરાવ જડે આજે બપોરે 12 કલાકે દૂધ લેવા નીકળ્યા હતા. તેઓ ગણદેવી રોડ પર રાધેશ્યામ સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા. તેમણે પોલીસની ઓળખ આપી જણાવ્યું હતું કે 'અમે પોલીસ છીએ, આગળ ચેકિંગ ચાલી રહ્યું છે, તેથી તમારી ગળાની ચેઈન અને વીટી તમારા રૂમાલમાં મુકી દો' અત્યારે ચોરીઓ બહુ થાય છે, એમ કહી ગઠિયા વૃદ્ધના દાગીના ઉતારવામાં મદદ કરવાના બહાને તે લઈને બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા.

આ બંને શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જોકે તેમાં તેમનો ચહેરો બરાબર દેખાતો ન હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અવારનવાર ધોળા દિવસે ચેઈન સ્નેચિંગ તથા છેતરપિંડીની ઘટનાને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પોલીસે આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે ધસી જઈ તપાસ શરૂ કરી હતી.

ચેઈન સ્નેચિંગ તથા છેતરપિંડીની ઘટનાઓ 
કિસ્સો 1 : નવસારીમાં જમાલપોરમાં દત્ત સોસાયટીમાં રહેતા જયવંતીબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ. 70)ના ઘરની બહાર પલ્સર બાઈક ઉપર આવેલા બે ઠગે એડ્રેસ પૂછીને તેમને ઓળખતા હોવાનું જણાવી અચાનક તેમના ગળામાંથી રૂ. 40 હજારની કિંમતની 2 તોલાની સોનાની ચેઈન તફડાવી ફરાર થઈ ગયા હતા.
કિસ્સો 2 : નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં સ્નેહસાગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈની માતાના ગળામાંથી કુરિયર બોય બનીને આવેલા ઠગે રૂ. 15 હજારની કિંમતની સોનાની ચેઈન તફડાવી લીધી હતી.
કિસ્સો 3 : બીલીમોરામાં વણગામ પાસે રૂ. 40 હજારની કિંમતનું મંગળસૂત્ર બાઈક સવાર ઠગોએ તફડાવી લીધુ હતું અને ફરાર થઈ ગયા હતા.
કિસ્સો 4 : જમાલપોર રોડ ઉપરથી અગાઉ તીઘરા જકાતનાકા નજીકથી પણ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે 
અવારનવાર બની રહેલી ચેઈન સ્નેચિંગ ઠગ દ્વારા છેતરીને દાગીના લઈને ફરાર થઈ જવાની ઘટનાને નાથવા એસઓજી, એલસીબી, ગ્રામ્ય પોલીસના ડી સ્ટાફની ટીમો બનાવી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જી.આર. દેસાઈ, પીઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ મથક