30 June 2018

જલાલપોરથી મહિલાની શંકાસ્પદ લાશ મળી


નવસારીના જલાલપોર વિસ્તારના બંધ ફળિયામાં અવાવરૂ જગ્યાએ સવારે એક અજાણી મહિલાની લાશ મળી આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ મૃતક મહિલાની ઓળખ માટેના પ્રયાસો શરૂ કરતા તે મૂળ રાજસ્થાનના અલીરાજપુરની વતની અને હાલ નવસારીના દશેરાટેકરી વિસ્તારમાં રહેતા દુરસિંગ ચૌહાણની પત્ની આરલીબેન ચૌહાણ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઝીણવટભરી તપાસ કરતા તેના ગળાના ભાગે અને મોં ઉપર કેટલાક નિશાન મળી આવ્યા હતા. જેને લઈ તેની હત્યા કરાઈ હોવાની શંકા પ્રબળ બની હતી. જોકે લોકોમાં તેના ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાની વાત ચર્ચાના ચકડોળે ચઢી છે.

જલાલપોર પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. હાલ મૃતક મહિલાએ કેસરી રંગનું બ્લાઉઝ, કથ્થઈ કલરનો ચણિયો પહેર્યો હતો. તેની પાસેથી કાળા રંગની ઓઢણી મળી આવી હતી. મધ્યમ બાંધાની તેણે સફેદ રંગની ધાતુની ત્રણ બંગડી જમણા હાથે પહેરી હતી તથા ડાબા હાથમાં કડુ હતું. આરલીબેન ચૌહાણ 27મી જૂનથી ગુમ થઈ ગઈ હતી. તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. મૃતક મહિલાને ત્રણ સંતાનો પણ છે. પોલીસે આ કેસમાં હત્યા થઈ છે કેમ તેનું કારણ જાણવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

મૃતક મહિલાના પરિવારજનોની પૂછપરછ 
છેલ્લા બે દિવસથી ગુમ થયેલી આરલીબેન ચૌહાણના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ પોલીસ મથકમાં ફરિયાદ નહીં નોંધાવતા પોલીસ માટે તે મોટુ અચરજ બની રહ્યું હતું. આરલીબેનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે મૃતકના પરિવારનોજની પૂછપરછ શરૂ કરી હોવાની માહિતી સાંપડી છે અને તેના ગુમ થયા બાદ તેની લાશ મળવા બાબતે સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

પેનલ ડોકટરની ટીમ દ્વારા પીએમ કરાવાયું 
મહિલાની લાશ મળી આવતા તેની હત્યા કરાઈ હોવાની શંકાના આધારે પોલીસે કેસની ઝીણવટભરી તપાસ માટે પેનલ ડોકટરની મદદથી તપાસ કરાવવાનું નક્કી કરી પીએમ માટે લાશને સુરત મોકલી દીધી હતી.

આ કેસમાં હાલના તબક્કે તપાસ ચાલુ છે 
હાલ મહિલાની હત્યાની શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી પેનલ ડોકટરની ટીમથી તેનું પીએમ કરાવવાનું નક્કી કર્યું છે. એ પછી જ સાચી હકીકત જાણવા મળશે. જોકે લાશની હાલત જોતા પ્રાથમિક તબક્કે હત્યાની પૂરી શંકા છે છતાં હત્યા અને રેપ અંગે રિપોર્ટ બાદ જ માલુમ પડશે. - એસ.જી. રાણા, ડીવાયએસપી, નવસારી