9 June 2018

નવસારી ST ડેપો મેનેજર 30 હજારની લાંચ લેતા ઝડપાયો


વલસાડ ડેપોના કલાર્કની નવસારી ડેપોમાં બદલી થતા તેની પાસે હાજર થવા માટે રૂ. 30 હજારની માંગણી કરનાર નવસારી ડેપો મેનેજર અને તે સંદર્ભે લાંચ રકમ રૂ. 20 હજાર સ્વીકારનાર હેલ્પરને નવસારી એસીબીની ટીમે છટકુ ગોઠવી ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. નવસારી ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી ડેપો મેનેજર તરીકે સલીમભાઈ મોમીન ફરજ બજાવી રહ્યા છે. વલસાડ વિભાગીય કચેરીમાં આવતા વલસાડ ડેપોમાં ફરજ બજાવતા કલાર્કની નવસારી ડેપો ખાતે બદલી થઈ હતી. એ બદલીના કારણે કલાર્ક નવસારી ડેપોમાં હાજર થવા આવ્યો હતો. નવસારી ડેપોના મેનેજર મોમીનને તેઓ મળ્યા હતા.

30 હજાર પૈકી પહેલાં 20 હજાર હેલ્પરને આપતા પકડાયા
એ દરમિયાન નવસારી ડેપોમાં હાજર કરવાની અવેજ પેટે કલાર્ક પાસેથી મેનેજરે રૂ. 30 હજારની માંગણી કરી હતી. એ વખતે કલાર્કે તેમની શરત માની લીધી હતી અને તેમની પાસેથી નીકળી જઈ સીધા નવસારી એસીબી પીઆઈ સી.એમ. જાડેજાનો સંપર્ક કર્યો હતો. તેમણે પહેલા રૂ. 20 હજાર અને તે પછી રૂ. 10 હજાર આવતા મહિને લાંચની રકમની તૈયારી બતાવી હતી. તેને ધ્યાનમાં રાખી એસીબી પીઆઈ જાડેજાએ સુરતના ઈનચાર્જ એસીબી મદદનીશ નિયામક એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જૂના એસટી ડેપો રોડ ઉપર છટકુ ગોઠવ્યું હતું.

દરમિયાન ડેપો મેનેજરે માંગેલી લાંચની રકમ પૈકીના રૂ. 20 હજારની રકમ ડેપો મેનેજરના કહેવાથી પહોંચેલા ડેપોના હેલ્પર મુસ્તાક બંગડીવાલા એસીબીના છટકુમાં ભેરવાય ગયા હતા અને ઝડપાય ગયા હતા. આરોપી મુસ્તાક અને લાંચ માગનાર ડેપો મેનેજર મોમીનની એસીબીની ટીમે અટક કરી લીધી હતી. આ ઘટનાની જાણ ડેપો સ્ટાફમાં થતા જ ચકચાર મચી ગઈ છે.