8 June 2018

નવસારીમાં રિંગરોડનો ઘોડો દશેરાએ દોડશે, 30 વર્ષનું સ્વપ્ન પુરું થશે


નવસારી માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થનાર રીંગરોડના કામમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો લોકહિત માટે ‘દિવ્ય ભાસ્કરે’ ઉઠાવતા સૂચિત રીંગરોડના કામમાં ઝડપ લાવવાની ધારાસભ્ય પિયુષ દેસાઈએ સૂચના આપી છે. સાથોસાથ આગામી ‘દશેરા’ સુધીમાં 2.6 કિલોમીટરના રીંગરોડનું કામ સંપૂર્ણ થઈ જશે અને લોકોનું 30 વર્ષનું સ્વપ્ન પુરું થશે એવી ખાતરી પણ ધારાસભ્યે આપી દીધી છે.

‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલો બાદ ધારાસભ્ય પીયુષ દેસાઇએ રોડના કામમાં ઝડપ લાવવાની સૂચના આપી
આજથી આશરે 30-32 વર્ષ પહેલા 1985-87ના અરસામાં નવસારીના ડેવલપમેન્ટ પ્લાનમાં રીંગરોડ મૂકવામાં આવ્યો હતો. ડી.પી.માં મુકાયા બાદ 2005-07ના અરસામાં રીંગરોડ બનાવવાનું કામ શરૂ કરાયું અને તે સમયે વિરાવળથી ભેંસતખાડાનો 800 મીટરનો રોડ તૈયાર કરાયો હતો. 2007 બાદ પ્રકાશ ટોકીઝથી વિરાવળ નાકા સુધીના 2.6 કિલોમીટરનો રીંગરોડ બનાવવાનું આયોજન તો કરાયું, કામ પણ શરૂ થયું પરંતુ આજદિન સુધી આ રોડ બન્યો નથી. વાદવિવાદો વચ્ચે રીંગરોડનું કામ ગોકળગાય ગતિએ જ ચાલી રહ્યું છે અને રોડ ક્યારે ખુલ્લો મુકાશે એ વાત ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે.

નવસારી શહેર માટે આ સૌથી મહત્ત્વનો પ્રોજેકટ હોવાથી ‘દિવ્ય ભાસ્કરે’ આ રીંગરોડનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ‘દિવ્ય ભાસ્કરે’ તાજેતરમાં રીંગરોડ સંદર્ભે ચાર અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રની ધીમી કામગીરી, લોકોને રોડ થકી થનારા ફાયદા, હલ થનાર સમસ્યાઓ વગેરે બાબતોનો ઉલ્લેખ કરી રીંગરોડનું કામ જલદીથી પૂર્ણ થાય એ વાત સચોટ જણાવી હતી. આ દિવ્ય ભાસ્કરના અહેવાલોની અસર થઈ છે. નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ રીંગરોડ ખુબ જ મહત્ત્વનો પ્રોજેકટ હોય તેના કામમાં ઝડપ લાવવાની સૂચના તંત્રને આપી છે.

‘દિવ્ય ભાસ્કર’ને એક મુલાકાતમાં ખાતરી આપી દીધી છે કે પ્રોજેકટ 30 વર્ષથી ભલે અટવાતો હોય પરંતુ આગામી દશેરાના દિવસ સુધીમાં રીંગરોડનું (2.6 કિલોમીટર) કામ સંપૂર્ણ થઈ જશે અને ધમધમતો થઈ જશે. ધારાસભ્યએ જણાવ્યું કે રીંગરોડનું ઘણુ કામ થયું છે. સેમી ગ્રાઉટીંગનું કામ ચાલી રહ્યું છે. કાર્પેટ સિલકોટ કરી રોડ ખુલ્લો પણ હાલ મુકી દેવાય પરંતુ હાલ ચોમાસાની મોસમ હોય વધુ ઉતાવળ થઈ શકે નહીં. ચોમાસામાં પુરાણ, ગ્રાઉટીંગ વગેરે જેટલું બેસી જવાનું હોય તે બેસી જશે, ચોમાસા બાદ કાર્પેટ સિલકોટ કરી દેવાશે. દશેરાના દિવસોમાં તો રોડ ખુલ્લો મુકી દેવાશે અને શહેરનું વર્ષોજૂનુ રીંગરોડનું સ્વપ્ન પુરૂં થશે ત્યારબાદ ભેંસતખાડાથી ઈસ્લામપુરા, જૂનાથાણા સુધીના માત્ર 500 મીટરનો જ પ્રશ્ન રહેશે.

ધારાસભ્યએ પ્રકાશ ટોકીઝથી વિરાવળ સુધી કાર લઇ ચકાસણી કરી
નવસારીમાં રિંગરોડના કામમાં થઈ રહેલા વિલંબને લઈ ધારાસભ્ય પિયુષ દેસાઈએ અધિકારીઓની મિટિંગ તો લીધી પરંતુ અધિકારીઓની રીંગરોડ ઉપર હાલ પણ કાર લઈ જઈ શકાય છે એવી વાતને ચકાસવા પોતે કાર લઈ પ્રકાશ ટોકીઝથી પ્રવેશી વિરાવળ નાકા એ નીકળ્યા હતા.

રિંગરોડથી થનારા ફાયદાઓ
- લોકોને શહેરનો વધુ એક રોડ મળશે.
- શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે.
- અલ્પવિકસિત વિસ્તારનો વિકાસ થશે.
- જમીનના મૂલ્યમાં વધારો થશે.
-બંજર પડતર જમીનમાં સુધારો થશે.
- પશ્ચિમથી વિરાવળ, હાઈવેનું અંતર ઘટશે.

કામની એજન્સીઓ બદલવી પડી
રીંગરોડ બનાવવાનું કામ કપરું હતું. આ કામ રાખનાર એજન્સીઓને કામ કરવામાં નવનેજા ઉતરતા હતા કારણ કે ખાડા-ખાબોચીયાને ઠીકઠાક કરી રોડ બનાવાતો છે. કેટલીક એજન્સી તો રીતસર હાંફી ગઈ અને તેને લઈ વિલંબ થઈ રહ્યો હતો. જેથી કામમાં ઝડપ લાવવા એજન્સી પણ બદલવી પડી છે.