1 July 2018

એરૂ ચાર રસ્તા નજીક જ્વેલર્સમાં રાત્રે ચોરીનો પ્રયાસ


નવસારીમાં એરૂ ચાર રસ્તા રોડ ઉપર આવેલા પ્રગતિ જ્વેલર્સની દુકાનમાં ગઠિયાએ શટરનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે એરૂ ચાર રસ્તા વિસ્તારમાં રાત્રિ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

નવસારીમાં એરૂ ચાર રસ્તા નજીક રોડ ઉપર આવેલા પ્રગતિ જ્વેલર્સમાં રાત્રિ દરમિયાન એક ચોર ઈસમે શટરનું તાળુ તોડી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરી કરવાના ઈરાદે આવેલા યુવાને ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું. રાત્રે 2થી 2.30 કલાકની આસપાસ આ ચોરીનો પ્રયાસ કરાયો હતો.



ચોર ઈસમે શટરનું તાળુ તોડી નાંખ્યું પરંતુ તે અંદરની બાજુએ આવેલા કાચના દરવાજાનું લોક તોડી શક્યો ન હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની સવારે જ્વેલર્સ ધર્મેશ સોલંકીને ખબર પડતા તેમણે આ બાબતે પોલીસને જાણ કરી લેખિત અરજી પણ આપી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

જોકે આ સમગ્ર ઘટનાને જોતા એરૂ ચાર રસ્તા વિસ્તારમાં રાત્રિ પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચોરટાઓ અને ગઠિયાઓ એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવા છતાં પોલીસ તેમને ઝડપી શકી નથી.