2 July 2018

નવસારીમાં રસ્તા પર પાર્કિંગ અને પ્લોટ ખાલી


નવસારીમાં પાર્કિંગ અંગે ભારે વિરોધાભાસની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી સર્જાઇ છે. જ્યાં લગભગ આખા શહેરમાં રોડ ઉપર યા રોડ લગોલગ વાહન પાર્કિંગ થઇ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં નગરપાલિકાએ વાહન પાર્કિંગ માટે જ ટાટા હોલ નજીક બનાવેલ વિશાળ ‘પાર્કિંગ પ્લોટ’ ખાલી જ જોવા મળી રહ્યો છે. રહેણાંક ઉપરાંત કોમર્શીયલ બાંધકામોમાં અપૂરતા પાર્કિંગની સુવિધાને કારણે વાહનચાલકો રોડ ઉપર જ પાર્કિંગ કરતા જોવા મળે છે. શહેરમાં પાર્કિંગ માટે જગ્યા તો ઊભી કરાઇ છે પરંતુ તેનો ઉપયોગ જ હાલ થઇ રહ્યો નથી. ઉપરાંત ફુટપાથોનો ઉપયોગ પણ મહદ અંશે પાર્કિંગ માટે જ થઇ રહ્યો હોવાનું જણાયું છે.

નવસારીમાં વાહન પાર્કિંગની સર્જાયેલી મોટી સમસ્યાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પણ બહાર પાડવું પડ્યું છે 
નવસારી પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ વાહનોમાં દ્વિ ચક્રી, ચાર ચક્રી તથા ભારે વાહનોનો સમાવેશ થાય છે. વાહનોની વધેલી સંખ્યાની સામે માર્ગો વધ્યા નથી યા વધુ પહોળા પણ થયા નથી. ખાસ કરીને આ વધેલા વાહનોની પાર્કિંગની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે. રહેણાંક ઉપરાંત કોમર્શીયલ બાંધકામોમાં અપૂરતા પાર્કિંગની સુવિધાને કારણે વાહનચાલકો રોડ ઉપર જ પાર્કિંગ કરતા જોવા મળે છે. રોડ ઉપરાંત ચાલવા માટે રોડને લાગુ બનાવેલી ફુટપાથોનો ઉપયોગ પણ મહદ અંશે પાર્કિંગ માટે જ થઇ રહ્યો છે. અહીં પ્રશ્ન એ છે કે, શહેરમાં પાર્કિંગ માટે જગ્યા જ નથી યા પાલિકાએ પાર્કિંગ પ્લોટ બનાવ્યા જ નથી.

જવાબ એ છે કે શહેરમાં પાર્કિંગ માટે જગ્યા તો ઊભી કરાઇ છે પરંતુ તેનો ઉપયોગ જ હાલ થઇ રહ્યો નથી. નવસારી શહેરમાં અહીંની નગરપાલિકાએ ટાટા હોલ નજીક તળાવને લાગુ પાર્કિંગ પ્લોટ બનાવ્યો છે. નવાઇની વાત એ છે કે આ પાર્કિંગ પ્લોટ ઘણા સમયથી ખુલ્લો જ છે. અહીં કોઇપણ વાહન પાર્ક કરાતું જોવા મળ્યું નથી. વિરોધાભાસ એ છે કે પાર્કિંગ પ્લોટ નજીકના દુધિયાતળાવ વિસ્તારમાં રોડ અને ફુટપાથ ઉપર મોટા પાયે વાહનોનું પાર્કિંગ થાય છે. જ્યારે આ પ્લોટ ખુલ્લો હવા ખાઇ છે. અહીંની પાલિકા આ વિરોધાભાસની સ્થિતિ અંગે કોઇ જ ધ્યાન આપતું નથી અને શહેર વધુ ને વધુ પાર્કિંગની મોકાણમાં સપડાયું છે. જોકે, એ સવાલ તો ઊભો જ છે કે પાર્કિંગ માટે જગ્યા જ નથી યા પાલિકાએ પાર્કિંગ પ્લોટ બનાવ્યા જ નથી.

લકઝરીના પાર્કિંગમાં વિવાદ થયો હતો
નવસારીના ટાટા હોલ નજીકના પાર્કિંગ પ્લોટનો પાર્કિંગ માટે કોઇ જ ઉપયોગ કરાયો નથી એવું પણ નથી. થોડા સમય અગાઉ આ પ્લોટ લકઝરી બસોથી ભરાયેલો રહેતો હતો. પાલિકાએ આ બસ સંચાલકો પાસેથી નાણાં વસુલવાનો પણ નિર્ણય લીધો હતો. જોકે, રાત્રીના સમયે અહીં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ આવતાં લકઝરી માટે પ્લોટ આપવાનું બંધ કરાયું હતું. એ અલગ વાત છે કે આ પ્લોટને દ્વિચક્રી, ચાર ચક્રી જેવા શહેરીજનોનાં વાહનોના પાર્કિંગ માટે વ્યવસ્થિત કદીય ઉપયોગ કરાયો નથી.

પાર્કિંગના જાહેરનામાનું પણ ઉલ્લંઘન થાય છે
નવસારીમાં વાહન પાર્કિંગની સર્જાયેલી મોટી સમસ્યાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પણ બહાર પાડવું પડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત વિવિધ માર્ગોને અડીને વાહનપાર્કિંગ કઇ રીતે કરવા તે માટે ‘એકીબેકી’ પાર્કિંગના ધોરણો બનાવાય છે. જોકે નોંધનીય બાબત એ છે કે શહેરમાં ભાગ્યે જ આ એકીબેકી વાહન પાર્કિંગના જાહેરનામાનો અમલ થયો છે અને આડેધડ પાર્કિંગ જારી રહ્યું છે.

ઉકેલ લાવવા ભેગા મળી વિચારણા કરીશું
નવસારીમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકામાં બધા ભેગા મળી વિચારણા કરીશું અને ઉકેલ લાવીશું.- છાયાબેન દેસાઇ, શાસક પક્ષના નેતા, પાલિકા