3 July 2018

4 વર્ષથી સિટી બસની રાહ સરકારનો ફરી એક વાર વાયદો


રાજ્ય સરકાર દ્વારા એ ગ્રેડની નગરપાલિકા વિસ્તારમાં સિટી બસસેવા શરૂ કરવા માટેના આદેશ કર્યા છે પરંતુ છેલ્લા 4 વર્ષથી સરકાર પાલિકાઓને આ સિટી બસ સંદર્ભે માત્ર દિલાસો જ આપી રહી છે. 22 પાલિકાઓમાં આ સિટી બસ સેવા શરૂ થવાની વાત છે પરંતુ તે અંગે નવસારી પાલિકા ચાર વર્ષથી સરકારમાંથી બસ ક્યારે આવે અને લોકો તેનો લાભ લે તે અંગે રાહ જોઈ રહી છે કે પછી અગાઉની માફક સરકાર કોણીએ ગોળ ચોપડશે કે બસની ફાળવણી કરશે તે જોવું રહ્યું.

રાજ્ય સરકાર દ્વારા પુન: એક વખત એ ગ્રેડની 22 પાલિકાઓમાં સિટી બસ સેવા શરૂ કરવાનો આદેશ કર્યાની વાત બહાર આવી છે. એ ગ્રેડમાં જ આવતી નવસારી પાલિકાને હજી સુધી આ બાબતે કોઈ પત્ર મળ્યો જ નથી. સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ સિટી બસ સેવા શરૂ કરાશે એવું ગાણુ ગવાતું રહ્યું છે. સૌ પ્રથમ નવસારી પાલિકાએ ખાનગી રાહે બસ સેવા શરૂ કરવાની તૈયારી કરી હતી પરંતુ બસસેવા શરૂ કરવા કોઈ આગળ આવ્યું ન હતું. એ પછી રાજ્ય સરકાર દ્વારા જ સિટી બસસેવા શરૂ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. 4 વર્ષથી આ જાહેરાતો જ થતી રહી છે પરંતુ તેનું અમલીકરણ હજી સુધી થયું નથી. નવસારી નગરપાલિકાને સૌ પ્રથમ 6 બસ પ્રાયોગિક ધોરણે ફાળવવામાં આવશે એવી અટકળો શરૂ થઈ હતી. એ પછી તે અંગે સરકારમાંથી કોઈ યોગ્ય નિર્ણય જાહેર કરાયો ન હતો.

નવસારી પાલિકાના સત્તાધિશોએ તો આ સિટી બસસેવા માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હોવા છતાં સરકાર માત્ર કોણીએ ગોળ ચીપકાવી રહી છે. લોકોને સિટી બસના સપના બતાવનાર સરકાર ખરા અર્થમાં ચાલુ વર્ષે બસસેવા પ્રારંભ કરાવશે કે પછી દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ રાહ જોવાનો વારો આવે તે જોવું રહ્યું.

હાલ ગુજરાત સરકાર દ્વારા ફરી રાજ્યની 22 નગરપાલિકાને સિટી બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ સિટી બસ ક્યરે ફાળવાઇ અને બસ સેવા ક્યારે શરૂ થાય તે જોવું રહ્યું. સિટી બસ સેવા શરૂ થાય તો નવસારીજનો માટે આ ખુશીના સમાચાર હશે. પરંતુ ચાર વર્ષથી માત્ર સરકાર દ્વારા સિટી બસ ફાળવવાની જાહેરાત જ કરવમા઼ આવી રહી છે, હવે આ વખતે બસ ફાળવાશે કે નહીં તે જોવું રહ્યું.

સરકારમાંથી હજી પત્ર આવ્યો નથી
હાલ સરકારમાંથી સિટિ બસસેવા શરૂ કરવા કોઈ પત્ર આવ્યો નથી. જ્યારે પત્ર આવશે તે પછી અમીલકરણ થશે. સરકાર દ્વારા જ બસ ફાળવવામાં આવવાની હોવાથી સરકારના દિશાનિર્દેશ પ્રમાણે કામગીરી કરાશે.રાજુભાઈ ગુપ્તા, ચીફ એન્જિનિયર, નવસારી પાલિકા

નવસારીમાં ડબલડેકર બસ પણ દોડતી હતી 
નવસારી શહેરમાં એકસમયે અેસ ટી સંચાલિત ડબલડેકર બસો પણ દોડતી હતી. આ બસ ડેપોથી સ્ટેશનના માર્ગ પર દોડતી હતી. ધીમે ધીમે આ બસ માર્ગ પરથી ગાયબ થઇ હતી. ત્યાર બાદ ધીમે ધીમે સિટી બસ સેવા પણ એસ ટી વિભાગે બંધ કરી હતી.