4 July 2018

નવસારીમાં સપ્તાહના વિરામ બાદ 4 ઇંચ વરસાદ


નવસારીમાં મંગળવારે સવારથી સાંજ સુધીના 12 કલાકમાં સવાર ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. માર્ગો તથા કેટલાક રહેણાંક વિસ્તારમાં સાધારણ પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થતાં ભરાયેલ પાણી ઉતરી પણ ગયા હતા. નવસારીમાં મંગળવારે સવારે 9 વાગ્યા સુધી વરસાદ ન હતો ત્યારબાદ અચાનક વાતાવરણ વાદળછાયું બની ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 9 વાગ્યાથી શરૂ થઇ સાંજે 4 વાગ્યા સુધી અવાર નવાર ધોધમાર વરસાદ પડતો જ રહ્યો હતો. 4 થી 6 ખાસ વરસાદ પડ્યો ન હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા હતા, પરંતુ વરસાદનું જોર ઓછુ પડતા ફરી પાણી ઉતરી ગયા હતા.

માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયાં, અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં મરામત માટે વીજળી ડૂલ થતાં લોકો અકળાયા 
ધોધમાર વરસાદને કારણે શહેરનાં કોટનમીલ રોડ,જુનાથાણા, કાશીવાડી, તરોટા બજાર, ગોલવાડ, પ્રજાપતિ આશ્રમ સહિતના કેટલાક માર્ગો તથા વિસ્તારોમાં સાધારણ પાણી ભરાયા હતા. જો કે વરસાદ ત્રુટક ત્રુટક પડતો રહ્યો હતો અને બંધ થતા ભરાયેલ પાણી ઓસરી પણ જતા હતા. પ્રકાશ ટોકીઝના ગરનાળામાં થોડો સમય પાણી વધુ ભરાતા વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. નવસારીમાં સીઝનનો સૌથી સારો વરસાદ મંગળવારે પડતા જનજીવન અસરગ્રસ્ત થયું હતુ. પ્રિમોન્સુન કામગીરી માટે અનેક વખત પાવરકટ અપાયો છતાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં મરામત માટે વીજળી ડુલ પણ કરાઇ હતી.
નવસારીમાં સવારે 6 થી સાંજે 6 સુધીમાં સવા ચાર ઇંચ પાણી પડ્યું હતુ. નવસારીને અડીને આવેલા જલાલપોર તાલુકામાં પણ આજ સમયગાળા દરમિયાન સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો વરસાદી વાતાવરણને લઇ તાપમાનમાં ઘટાડો થવાની સાથે આખો દિવસ હવામાં ભેજનું પ્રમાણ 100 ટકા રહ્યું હતુ.

નવસારીના ગોલવાડ, દરગાહ રોડ તથા જૂનાથાણા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. જ્યારે વિજલપોરમાં આરસીસી રોડ પર પાણી ફરી વળ્યા હતા.

વિજલપોરમાં ટ્રાફિકજામ સમસ્યા 
નવસારીને અડીને આવેલ વિજલપોર શહેરમાં પણ મંગળવારે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસે સાડા ચાર ઇંચ વરસાદ પડતાં રેલવે ગરનાળું પાણીથી તરબતર થઇ ગયું હતુ અને અહીંની વાહન વ્યવહાર બંધ થતા રેલવે ફાટકે ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. આશાપુરી મંદિરથી સુશ્રૃષા હોસ્પીટલ સુધી બનાવાયેલ નવા આરસીસી રોડ ઉપર પાણી ભરાયા હતા.