5 July 2018

36 કલાકમાં નવસારીમાં 9.5 ઈંચ વરસાદ


વિજલપોરમાં 8 થી 9 ઘરમાં પાણી ઘૂસી ગયા, નવસારીનો કોટનમીલ વિસ્તારમાં પાણી ભરાતા બંને બાજુ તળાવ બન્યું 
જેમનાં ઘરમાં પાણી ભરાયા તેમની નામાવલિ જોતાં સંજય હળપતિ, મનીષ હળપતિ, યોગેશ હળપતિ, અજય હળપતિ, ઉજ્જવલ હળપતિ, ગોપાલ હળપતિ, સાગર હળપતિ અને લાલુ નાયકના ઘરનો સમાવેશ થાય છે. ચાર ઘરમાં તો સાંજ સુધી પાણી ભરાઇ રહ્યાં હતા. વિજલપોર પાલિકાએ આ અસરગ્રસ્તોનાં સ્થળાંતરની તથા ભોજન વ્યવસ્થાની તજવીજ કરી હતી. આ વિસ્તાર નજીક નવસારીની હદમાં બાંધકામો થતા વરસાદી પાણીના નિકાલ ન થતાં સમસ્યા સર્જાઇ હતી. છેલ્લા પાંચેક વર્ષથી સમસ્યા સર્જાઇ રહી હોવા છતાં ઉકેલ આવ્યો નથી.



વિજલપોરમાં આ ઉપરાંત સૂર્યનગર, મંકોડીયા વિસ્તાર, મારૂતીનગર, મેઘવાળ સોસાયટી નજીક પણ પાણીનો ભરાવો થયો હતો. મારૂતીનગર નજીક વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાંખવાનું કામ અધુરૂ રહેતા સમસ્યા સર્જાઇ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ. વિજલપોર રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જ રહેતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી. વિજલપોરની સાથસાથ નવસારી શહેરમાં કોટનમીલ રોડ ઉપર પાણીનો ભરાવો થયો હતો. કોટન મીલનાં પાછળનાં ખૂલ્લો વિસ્તાર કૃત્રિમ તળાવ બન્યુ હતુ. કોટન મીલ નજીક વૃક્ષ પણ ધરાશયી થયું હતુ. નવસારી વિજલપોરમાં 24 કલાકમાં સવા પાંચ અને 36 કલાક (દોઢ દિવસ) માં 9.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ છતાં કોઇ મોટી નુકશાની શહેરમાં થઇ ન હતી.

લુન્સીકુઇ મેદાન 'તળાવ' બન્યું 

નવસારીના ભારે વરસાદની અસર અહીંના ઐતિહાસિક લુન્સીકુઇ મેદાન ઉપર પણ જોવા મળી હતી. ખાલીખમ દેખાતું આ મેદાન બુધવારે 'કુત્રિમ તળાવ' માં પરિવર્તિત થયું હતુ. આખુય મેદાન વરસાદી પાણીથી ભરાયું હતુ.

પૂર્ણાની સપાટી ન વધી 
નવસારી પંથકમાં છેલ્લા દોઢ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. લગભગ સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડવા છતાં અહીંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં નહિવત વધારો થયો હતો અને બુધવારે સાંજે પણ 10 ફૂટ (ભયજનક 23 ફૂટ) જ રહી હતી. પૂર્ણા જ્યાંથી નીકળે છે એ ડાંગમાં ઓછો વરસાદ હોઇ આ સ્થિતિ રહી હતી.