6 July 2018

મિશ્ર શાળા નંબર 3 જર્જરિત, 186 બાળકોને જોખમ


નવસારીના દાંડીવાડ વિસ્તારની પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જર્જરિત મકાનમાં 186 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. મકાનમાં અનેક ઠેકાણે સળિયા દેખાય છે, પ્લાસ્ટર ઉખડી ગયેલા છે. જો મરામત ન કરાય તો શાળાનું આ મકાન 'જર્જરિત' થી 'અતિજર્જરિત' બની ભારે જોખમકારક બનશે એવી શક્યતા છે. પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 19 પ્રાથમિક શાળા નવસારી શહેરમાં કાર્યરત છે. આ શાળામાં અંદાજે 4 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ 19 શાળામાંની એક પ્રા.શાળા મિશ્રશાળા-3 શહેરનાં દાંડીવાડ વિસ્તારમાં આવેલી છે. આ શાળામાં 1 થી 8 ધોરણ ચાલે છે અને 186 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

પાલિકા સંચાલિત દાંડીવાડની મિશ્રશાળા-3 મકાનમાં સળિયા દેખાય છે, સ્લેબમાં ક્ષતિ હોવાથી બે ઓરડા તો બંધ કરી દેવાયા 
આ શાળાનું મકાન વરસો જુનું છે અને છેલ્લા કેટલાક વર્ષથી મકાનની હાલત બગડી છે. મકાનમાં અનેક જગ્યાએ પીલરનાં સળિયા પણ દેખાવા માંડ્યા છે. દિવાલનું પ્લાસ્ટર ઉખડી ગયું છે. ટેરેસના સ્લેબનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા ચારેક વર્ષથી મકાનની હાલત બગડી ગઇ હોવા છતાં નવસારી પાલિકા દ્વારા આ જર્જરિત બનેલ મકાનનું કોઇ રીપેરીંગ કર્યુ નથી. મકાનની ખરાબ હાલત અંગે પાલિકાનાં સ્થાનિક કોર્પોરેટરોએ પાલિકામાં રજૂઆત કરી પરંતુ કોઇ કાર્યવાહી કરાઇ નથી.

એવી પણ જાણકારી મળી છે કે, સ્લેબમાં ક્ષતિ હોવાથી બે ઓરડા તો બંધ કરવાની ફરજ પણ પડી છે. વર્ગની સરખામણીએ ઓરડા અપૂરતા હોઇ બે પાળીમાં શાળા ચલાવવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ આ જર્જરિત મકાનમાં બેસી અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. શું તંત્ર મકાન 'જર્જરિત' થી 'અત્યંત જર્જરિત' બની તૂટી પડે એવી હાલતનું થાય ત્યાં સુધી રાહ જોવા માંગે છે

'દાંડીવાડની મિશ્રશાળા-3' નાં મકાનનાં રીપેરીંગ અંગેનો રીપોર્ટ નવસારી નગરપાલિકામાં કરવામાં આવ્યો જ છે. પાલિકા આગળની કાર્યવાહી કરશે. ફરીથી પણ આ અંગે પાલિકામાં રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાશે.' ભૂમિકાબેન પટેલ, શાસનાધિકારી, શિક્ષણસમિતિ નવસારી

3 શાળા રીનોવેટ કરાઇ, દાંડીવાડની શાળા રહી ગઇ 
નવસારી પાલિકાએ તાજેતરનાં વર્ષોમાં સરબતિયા તળાવ નજીકની મિશ્રશાળા-2, શનીદેવ મંદિર નજીકની મિશ્રશાળા-4 અને ઘેલખડી વિસ્તારની મિશ્રશાળા-8 લાખો રૂપિયાનાં ખર્ચે રીનોવેટ 'ટીપટોપ' કરી છે. કન્યાશાળા-3 ને તો તોડી નવી બનાવાઇ રહી છે. તો પછી આ આદિવાસી વિસ્તારની દાંડીવાડની શાળાની મરામત કેમ રહી ગઇ છે ω

ભેંસતખાડાની શાળાની પણ ફરિયાદ કરાઇ 
નવસારી પાલિકા સંચાલિત શહેરનાં ભેંસતખાડા વિસ્તારમાં આવેલી મિશ્રશાળા નંબર-11 મકાનની હાલત પણ ખરાબ હોવાની જાણકારી મળી છે. અહીંની શાળાનાં પતરા ક્ષતિગ્રસ્ત થયા છે અને વરસાદનું પાણી ગળતું છે. શાળાના મકાનના પતરાંની ફરિયાદ પાલિકામાં કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

નવું મકાન બનાવવાની 'લોલીપોપ' 
નવસારી પાલિકાની એક્ઝીક્યુટીવ કમિટી તથા સામાન્ય સભામાં 3 થી 4 વખત દાંડીવાડની શાળાનો પ્રશ્ન ઉઠાવ્યો તો શાસકો એમ કહ્યું કે તમે થોડી ધીરજ રાખો, રીપેરીંગની વાત છોડો, શાળાનું નવું જ મકાન બનાવી દેવાશે. અવાર નવાર આ અંગે રજૂઆત કરવા છતાં નક્કર પગલા લેવાયા નથી. અંજુમ શેખ, સ્થાનિક કોર્પોરેટર, પાલિકા.