7 July 2018

દારૂના અડ્ડા પર દરોડા, બીજી તરફ પોલીસ ચોકીથી 150 મીટરે થતું ખુલ્લેઆમ વેચાણ


અમદાવાદમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ નવસારી પોલીસ પણ એલર્ટ બની છે અને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેડ કરીને આ દુષણમાં સંડોવાયેલા 15 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. જોકે શહેરમાં આજે પણ દેશી દારૂની પોટલી ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું ભાસ્કરના સ્ટીંગ ઓપરેશનમાં પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં વર્ષ અગાઉ થયેલા લઠ્ઠાકાંડથી 100થી વધુ લોકોના મોત થયા હતા. એ પછી સુરતમાં પણ લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં પુન: એક વખત લઠ્ઠાકાંડ બહાર આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં દેશી અને વિદેશી દારના વેચાણ ઉપર સંપૂર્ણ બ્રેક લગાવવા પોલીસે ગડમથલ શરૂ કરી છે. નવસારી પોલીસ પણ તેનાથી બાકાત નથી.

નવસારી આસપાસના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલવાનારા 15ની એલસીબીએ ધરપકડ કરી
નવસારી એલસીબીએ દેશી દારૂથી લઈ વિદેશી દારૂ ઝબ્બે કરવા તમામ પ્રયાસો શરૂ કર્યા છે તો જિલ્લા પોલીસની અન્ય ટીમો પણ દારૂ પાછ‌ળ પડી છે. જોકે નવસારી એલસીબીને મોટી સફળતા મળી છે. એલસીબી પીઆઈ ડી.એન. પટેલ તથા તેમની ટીમે સમોદિયા વિજલપોર, જલાલપોરના પૂર્ણેશ્વર વિસ્તાર અને અડદા ગામે રેડ કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ નેસ્તાનાબૂદ કરી હતી અને રૂ. 700ની કિંમતનું ગોળ, 35 લિટર દારૂ, દારૂ ગાળવાનું રસાયણ 1745 લિટર મળી કુલ રૂ. 3490 અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 5990નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ દારૂની ભઠ્ઠીઓ હજી પણ ધમધમી રહી છે. એ તો ઠીક નવસારી શહેરમાં પણ ખુલ્લેઆમ દારૂની પોટલીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસી કડકાઈ છતાં દારૂનો વેપલો પૂરજોશમાં છે.

સફાળી જાગેલી નવસારી જિલ્લા એલસીબીએ દેશી દારૂની ભઠ્ઠી પર કાર્યવાહી કરી

દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ જ્યારે શહેરમાં દારૂના વેપલો થાય છે કે કેમ તે અંગે સ્ટિંગ ઓપરેશન કર્યું તો તેમાં સાંઢકૂવા પોલીસ ચોકીના નજીકમાં જ એક પાકા મકાનમાંથી દેશી દારૂની પોટલીનું વેચાણ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. શહેરની આસપાસના વિસ્તારમાં જ્યારે પોલીસ દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા મથામણ કરી રહી છે ત્યારે શહેરમાં જ તેનું દુષણ ડામવા પ્રયત્ન કરાશે કે કેમ તેવા સવાલો પણ ઉભા થયા છે. શું શહેરની આસપાસના વિસ્તારમાં દારૂના વેપલાની પોલીસને માહિતી મળતી હોય તો શહેરમાં જ આ દેશી દારૂની પોટલીના વેચાણ અંગે પોલીસને ભનક સુદ્ધાં ન આવી શકે એ બાબત પણ વિચાર માગી લે છે. જોવા જેવી બાબત એ છે કે જ્યાં આ દેશી દારૂની પોટલીનો વેપલો થઈ રહ્યો છે ત્યાંથી સાંઢકૂવા ચોકીથી માંડ 150 મીટરના અંતરે જ આવેલી છે છતાં પોલીસને તેની માહિતી પણ નથી એ પણ એક ચોંકાવનારી બાબત છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની યાદી

એલસીબીએ રેડ કરતા લિસ્ટેડ બૂટલેગર રાજુભાઈ રાઠોડ, રમીલાબેન રાઠોડ, ભીખીબેન રાઠોડ, સુખીબેન રાઠોડ, છીબીબેન રાઠોડ (તમામ રહે. અડદા), જોગીભાઈ રાઠોડ, રામીબેન નાયકા, વનિતાબેન નાયકા, લીલાબેન નાયકા, પુષ્પાબેન નાયકા (સમોદીયા, વિજલપોર), જયાબેન નાયકા, નીરૂબેન નાયકા, રેખાબેન નાયકા, જશુબેન નાયકા (પૂર્ણેશ્વર જલાલપોર) અને મનિષાબેન રાઠોડ (મોગરા ફળિયા)ને દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીઓ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.