9 July 2018

ઇવીએમ સુરક્ષા માટે 'ઇવીએમ ભવન' બનશે


ઇવીએમ-વીવીપેટ મશીનોની સુરક્ષા માટે નવસારી જિલ્લામાં અલાયદું બિલ્ડીંગ 'વેરહાઉસ' બનાવાશે. આ માટે અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

છેલ્લી કેટલીય ચૂંટણીઓથી મતદાન માટે ઇવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક ચૂંટણીઓમાં પરિણામ બાદ ઇવીએમ સામે સવાલો ઉઠી રહ્યાં છે, નિષ્પક્ષતા સામે આંગળી ઉઠી રહી છે છતાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીનોનો ઉપયોગ જારી જ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં તો ઇવીએમ મશીનોની સાથે વીવીપેટ મશીનો પણ મતદાન ટાણે મૂકવામાં આવ્યા હતા, જેથી મતદાર મતદાન કર્યા બાદ પોતાનાં મતની ખરાઇ કરી શકે છે. આ ઇવીએમ મશીનો નવસારી જિલ્લામાં હયાત સરકારી બિલ્ડીંગોમાં જ રાખવામાં આવી રહ્યાં છે. જોકે હવે સરકારે આ ઇવીએમ, વીવીપેટ મશીનો માટે અલાયદી બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે.

3 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ 
નવસારીને અડીને આવેલા વિરાવળમાં ઇવીએમ બિલ્ડીંગ માટે જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનું 'વેરહાઉસ' બિલ્ડીંગ બનાવવામાં આવશે. અંદાજે 3 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે આ બિલ્ડીંગ બનાવાશે. કેન્દ્ર સરકારે આ માટે ગ્રાંટની ફાળવણી કરી છે.

2240 ઈવીએમ સ્ટોર કરવા, જેની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા
નવસારી જિલ્લાનાં 2240 જેટલા ઇવીએમ વીવીપેટ અહીં સ્ટોર કરવામાં આવશે. એક જ જગ્યાએ બધાં જ મશીનો રાખી શકાશે. બાંધકામ કરવા માટેનું ટેન્ડરીંગ પણ થઇ ગયાની જાણકારી મળી છે. ઇવીએમ ભવન બની જવાથી તમામ મશીનો એક જ સ્થળે સ્ટોર તો કરી શકાશે, સાથે સુરક્ષા પણ સારી રીતે થઇ શકશે.