10 July 2018

વિજલપોરમાં મહત્તમ બ્લોકપેવિંગનું ધોવાણ


ચોમાસુ બેસતાની સાથે જ વિજલપોરના કેટલાક વિસ્તારોમાં પાલિકાની પોલ ખુલી પડી ગઈ છે. બ્લોક પેવિંગથી લઈ વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે હજારો લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે. પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાના કારણે આગામી દિવસોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. વિજલપોર નગરપાલિકાના રામનગર આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની મોટી સમસ્યા ઉભી થઈ છે. વિજલપોરમાં બ્લોક ઉખડી જવા ઉપરાંત વરસાદી પાણીનો પણ ભરાવો રહેતા લોકોને વાહન લઇને ઉપરાંત પગાપાળા જવાની પણ મુશ્કેલી પડી રહી છે.

વરસાદી પાણીનો ભરાવો તથા બ્લોક ઉખડી જતા લોકોએ આવાગમન માટે પણ હાલાકી પડી રહી છે 
વિજલપોરમાં આ ઉપરાંત નવદુર્ગાનગર, રેવાનગર, આંબાવાડી વગેરે વિસ્તારમાં પણ લોકોએ બ્લોકપેવિંગ ઉખડી જતા મુશ્કેલી વેઠવાના વારો આવ્યો છે. વરસાદી ઋતુનો પ્રારંભ થતા જ વિજલપોર પાલિકા વિસ્તારમાં થયેલા વિકાસના કામોની પોલ ખુલી પડી ગઈ છે.

વિજલપોર પાલિકાના રામનગર વિસ્તારમાં સાતેક મહિના અગાઉ જ બ્લોકપેવિંગના અંદાજિત 30 લાખથી વધુનું કામ કરાયું હતું. ઠેર ઠેર ગલી-ગલીએ બ્લોક પેવિંગની કામગીરી કરી દેવામાં આવી હતી. ઉપરાંત નવદુર્ગાનગર, રેવાનગર, આંબાવાડી સહિત વિસ્તારોમાં પણ વિકાસની ગાથા ગાવા માટે બ્લોકપેવિંગ કરાયું હતું. જોકે ચોમાસુ બેસતા જ આ ઠેર ઠેર કરાયેલા બ્લોકપેવિંગના કામમાં વેઠ ઉતારાયાનું બહાર આવ્યું છે. જેને લઈ લોકોના લાખો રૂપિયા વેડફાય ગયાનું માનવામાં આવી રહ્યું છે.

આ વિસ્તારમાં બ્લોકપેવિંગ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા જ ઉભી નહીં કરાતા પાણીનો ભરાવો થયો છે. ઉપરાંત ઉતાવળમાં બ્લોકપેવિંગનું લેવલ પણ જળવાયું ન હતું, જેના કારણે સ્થિતિ વધારે બગડી છે. વધુમાં વરસાદને કારણે પાણી નિકાલ નહીં થતા આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા બ્લોક ઉખડી જતા લોકોએ આવાગમન માટે પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે લોકોમાં વિકાસના કામોમાં વેઠ ઉતારાયાનો ભારે
ઉહાપોહ મચ્યો છે.

માત્ર દેખાડા પૂરતા જ કામો કરાયા 
રામનગર તથા તેની આસપાસના વિસ્તારોમાં બ્લોકપેવિંગના ટૂંકાગાળામાં જ બ્લોક ઉખડી ગયા છે. માત્ર કામો બતાવવા માટે જ આ વિસ્તારમાં ઠેર ઠેર બ્લોકપેવિંગ કરી દેવાયું હતું પરંતુ તે કામમાં માત્ર વેઠ ઉતારવામા આવી છે અને જે કામો કરાયા છે તે માત્ર દેખાડા પૂરતા જ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. રામનરેશ શર્મા, સ્થાનિક રહીશ

વરસાદી પાણી ભરાતા બ્લોક ઉખડ્યાની શક્યતા 
વરસાદી પાણીનો ભરાવો થતા કદાચ પાલિકાના માણસોએ જ બ્લોક ઉખાડીને ચેમ્બર ખોલી હઈ શકે, તેમ છતાં જો એ વિસ્તારમાં પાણીના નિકાલની અને બ્લોકપેવિંગ ઉખડી ગયાની સમસ્યા હશે તો તે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવીશ. શશીકાંત પટેલ, એન્જિનિયર, વિજલપોર પાલિકા

સત્તાધીશોએ જ કામ કરાવ્યું હતું 
અગાઉના સત્તાધીશોએ જ આ વિસ્તારમાં કામો કરાવ્યા હતા. લોકોને ભરમાવવા દેખાડા પૂરતા કામો કરાયા હતા તે હવે બહાર આવી રહ્યું છે. જી.ડી. શુકલા, વિપક્ષ નેતા, વિજલપોર પાલિકા