11 July 2018

ભારે વરસાદની અસરઃ નવસારી સ્ટેશને આખો દિવસ મુસાફરો અટવાયા


વિરાર-નાલાસોપારા વચ્ચે રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા મુંબઇ જતી અને મુંબઇથી આવતી મોટાભાગની ટ્રેનો ઘણી મોડી પડતાં અને ઘણી ટ્રેનો રદ થતાં મંગળવારે લગભગ આખો દિવસ નવસારી રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા હતા. સવારથી ટ્રેનોની શરૂ થયેલી મોકાણ મોડી સાંજ સુધી જારી રહી હતી અને રાત્રે પણ ટ્રેન વ્યવહાર સંપૂર્ણ પૂર્વત: થવાની શક્યતા ઓછી જોવાઇ રહી હતી. આ ઉપરાંત અનેક ટ્રેનને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. સાં સુધી ટ્રેક પર પાણી હોવાના કારણે ટ્રેન વ્યવહાર ક્યાં સુધી પૂર્વવત થાય તે કહી શકાય તેમ નથી. હાલમાં વેસ્ટર્ન રેલવે પર અનેક ટ્રેન અટકાવવામાં આવી છે.

મુંબઇ નજીક રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતાં મંગળવારે સવારથી રેલવ્યવહાર ખોરવાયો
નવસારી રેલવે સ્ટેશન ‘એ’ ગ્રેડનું રેલવે સ્ટેશન છે અને અહીંથી દિવસ દરમિયાન હજારો મુસાફરો રેલવે ટ્રેનોમાં અવરજવર કરે છે. જોકે આ મુસાફરી કરનારા મહત્તમ મુસાફરો મંગળવારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિરાર-નાલાસોપારા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણીનો ભરાવો ગત રાત્રિએ થઇ જતા મંગળવારે સવારથી નવસારી રેલવે સ્ટેશને મુસાફરો મુશ્કેલીમાં મુકાવાના શરૂ થઇ ગયા હતા. સવારે 10 વાગ્યે મુંબઇથી નવસારી આવતી ડાઉન ગુજરાત એક્સપ્રેસ રદ કરાઇ હતી. ત્યારપછી તો આખા દિવસમાં ઘણી ટ્રેનો રદ કરાતા મુસાફરોની હાલાકી યથાવત રહી હતી. જ્યાં ઘણી ટ્રેનો રદ કરી દેવાઇ હતી. ત્યાં કેટલીક એક્સપ્રેસ ટ્રેનોને લોકલ બનાવી દરેક સ્ટેશનોએ થોભાવાઇ હતી. ફિરોઝપુર એક્સપ્રેસને લોકલ બનાવાઇ હતી. કેટલીક એક્સપ્રેસ ટ્રેનો ટૂંકાવાઇ હતી.


આખો દિવસ ટ્રેન વ્યવહાર ખોરવાયા
સયાજી નગરીને વલસાડ સુધી જ લઇ જવાઇ હતી. મેમું લોકલ ટ્રેનોને ઓછી અસર થઇ હતી.સવારથી ટ્રેનોની શરૂ થયેલ મુશ્કેલીને કારણે ઘણા મુસાફરો નવસારી સ્ટેશનેથી પરત ઘર ભેગા થયા હતા, કેટલાય મુસાફરોએ એસ.ટી.બસ યા અન્ય ખાનગી વાહનોનો આશરો લીધો તો કેટલાક મુસાફરોએ બ્રેકઅપ મુસાફરી કરી હતી. આમ તો આખો દિવસ બંને તરફની ટ્રેનોને અસર થઇ હતી. પરંતુ વધુ અસર મુંબઇથી નવસારી તરફ આવતી ટ્રેનોની વધુ થઇ હતી. આખો દિવસ ટ્રેન વ્યવહાર ખોરવાયા બાદ સાંજે 6 કલાકે પણ ટ્રેક ઉપર પાણી મુંબઇ પંથકમાં રહેતા રાત્રે પણ ટ્રેન વ્યવહાર પૂર્ણત: યથાવત થવાની ઓછી શક્યતા જોવાઇ હતી.

ટ્રેનોની સ્થિતિ
રદ ટ્રેનો : ગુજરાત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જામનગર બાન્દ્રા ઇન્ટરસીટી, દેહરાદૂન એેસપ્રેસ, ઇન્દોર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ.

ટ્રેનોનાં બદલાયેલ શિડ્યુલ: સયાજીનગરી વલસાડ સુધી ગઇ, ડબલડેકર એસી વાપી સુધી ગઇ, ફ્લાઇંગ રાણી ઉદવાડામાં ટર્મીનેટ, ફિરોઝપૂર એક્સપ્રેસ લોકલ બનાવાઇ, ઓગસ્ટ ક્રાંતિ વલસાડમાં રદ, રાજધાની વાપીમાં ટર્મીનેટ.

મુશ્કેલીમાં માનવતાની મહેક પ્રસરી
નવસારી રેલવે સ્ટેશને મુસાફરોને પડેલ અગવડતામાં ‘માનવતાની મહેંક’ પણ પ્રસરી હતી. નવસારી રેલવે સ્ટેશને દાદર ભૂજ એક્સપ્રેસ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી 8 કલાક થોભી હતી. આ ટ્રેન ઉપરાંત મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ ટ્રેનના મુસાફરોની વ્હારે નવસારીની સેવાભાવી સંસ્થા યંગસ્ટાર ઓફ નવસારી અને જૈન અગ્રણી ભુરાભાઇ શાહ આવ્યા હતા. તેમના દ્વારા મુશ્કેલીમાં મુકાયેલ 500 જેટલા મુસાફરોને ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.

હવે બ્રેક અપ મુસાફરી કરવી પડશે
હું વડોદરા જવા માટે ફિરોઝપુર જનતા એક્સપ્રેસ યા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પકડવા માટે નવસારી સ્ટેશને આવ્યો હતો. આ ટ્રેનો રદ હોઇ મેમું ટ્રેનમાં બ્રેક અપ મુસાફરી હવે કરવી પડશે. - નગીનભાઇ રાઠોડ, મુસાફર, મંદિર ગામ

સુરત જવાનું મુલતવી રાખ્યું
હું રેલવેનો રોજીંદો મુસાફર છું. આજે સુરત ગુજરાત એક્સપ્રેસમાં જનાર હતો પરંતુ આ ટ્રેન રદ કરાઇ હતી. દોઢેક કલાક અન્ય ટ્રેનોની રાહ જોઇ પરંતુ ન મળતાં સુરત જવાનું જ મુલતવી રાખ્યું હતુ.  - કમલેશ ભાનુશાળી, રેલ મુસાફર, નવસારી

મુસાફરોને માહિતી અપાતી રહી
મુંબઇ નજીક વરસાદી પાણી ભરાતા નવસારી સ્ટેશને  ટ્રેનો અસરગ્રસ્ત થઇ હતી. ટ્રેનોની માહિતી મુસાફરોને સમયાંતરે એનાઉન્સ કરી અપાઇ હતી. ટ્રેન વ્યવહાર કયારે પૂર્વવત: થશે એ કહી શકાય એમ નથી. -  ઉદયસિંઘ, સ્ટેશન માસ્તર, નવસારી