12 July 2018

નવસારીમાં ભારે વરસાદથી 750નું સ્થળાંતર


માત્ર 17 કલાકનાં ટૂંકા ગાળામાં નવસારીમાં 12.5 અને જલાલપોર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્તા નવસારી-વિજલપોરનાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કાલીયાવાડીનાં 600,સદલાવના 50, વિજલપોરનાં 50 અને નવસારીનાં 50 જેટલા લોકો મળી 750 જણાને દિવસ દરમિયાન સ્થળાંતર કરાવાયું હતુ. શહેરની મહત્તમ શાળામાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરી દેવામાં આવી હતી.

કાલીયાવાડી, નવસારી શહેર અને વિજલપોરનાં કુલ 150 થી વધુ કુટુંબોને સલામત સ્થળે ખસેડાયા, દશેરા ટેકરીમાં પણ પાણી 
નવસારી-વિજલપોર પંથકમાં મંગળવારે દિવસે ખાસ વરસાદ પડ્યો ન હતો. જોકે રાત્રે 1 વાગ્યા બાદ વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે 1 વાગ્યે શરૂ થયેલ વરસાદ સવારે 8 વાગ્યા સુધી તો દેમાર ઝીંકાયો હતો. 8 વાગ્યા બાદ ગતિ ધીમી થઇ હતી. મંગળવારે રાત્રે 1 વાગ્યાથી આજે બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 17 કલાક દરમિયાન નવસારીમાં 12.5 ઇંચ અને જલાલપોરમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો. અતિ ભારે વરસાદને કારણે નવસારી પંથક અને વિજલપોરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારીનાં 150 ઘરો તથા વિજલપોરમાં પણ ઘણાં ઘરોમાં પાણી ભરાયા હતા. સૌથી ખરાબ સ્થિતિ નવસારીને અડીને આવેલ કાલીયાવાડીની હતી.

કાલીયાવાડી ગામનાં રાજીવનગર, ભૂતબંગલા, જકાતનાકા વિસ્તાર ખેતતલાવડી ઘરોમાં પાણી ભરાતા 600 લોકોને નજીકનાં સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતુ. સદલાવમાં 50 લોકોને સ્થળાંતર કરાવાયું હતુ.

નવસારી અને વિજલપોરના અસરગ્રસ્ત વિસ્તારો 
નવસારી | બાપુનગર, જુનાથાણા શનિદેવ, દશેરા ટેકરી, રેલરાહત કોલોની, વાઘરી મહોલ્લો ઘેલખડી, શિવાનીનગર ઘેલખડી, કિરણનગર, જલાલપોર, પટેલ સોસાયટી, ગાંધીનગર સોસાયટી, બોદાલી રોડ, શાંતાદેવી રોડ, સીઆરપાટીલ સંકુલ, રામજીખત્રી વિગેરે.

વિજલપોર | રેલવે ફાટક સામે હળપતિવાસ, અમીધારા સોસાયટી, રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ, નટવરચાલ, મેઘવાળ સોસાયટી, સૂર્યનગર, મારુતીનગર, ગુંદરડી ફળિયું, ગૌતમનગર, વિઠ્ઠલ મકાનની ચાલ, રોયલ ગાર્ડન, રામજીપાર્ક, ધોળીકૂઇ, શક્તિનગર, શનેશ્વર નગર, શ્રીનગર, તામ્હનકરવાડી.