13 July 2018

વિજલપોરના 50 ઘરોમાં ગુરૂવારે પણ પાણી


વિજલપોરનાં સતત બીજા દિવસે પણ વરસાદ જારી જ રહેતા અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો ન હતો. શહેરમાં 50 લોકોને સતત બીજા દિવસે પણ ઘરબહાર અન્યત્ર આશરો લેવો પડ્યો હતો.

મંગળવારે રાત્રીથી બુધવારે સાંજ સુધી પડેલા ભારે વરસાદને કારણે વિજલપોરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ બુધવારે સર્જાઇ હતી. આજે ગુરૂવારે બીજા દિવસે પણ અનેક વિસ્તારો વરસાદી પાણીથી તરબતર જ રહ્યાં હતા. આ વિસ્તારોમાં હળપતિવાસ, શ્રીનગર, અશોકનગર, રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ, તામ્હનકરવાડી, ગૌતમનગર, સૂર્યનગર, મારૂતીનગર, રોગલ ગાર્ડન, રામજીપાર્ક, રામનગર વિગેરેનો સમાવેશ થાય છે. કેટલાક ઘરોમાં ગુરૂવારે પણ પાણી રહ્યાનું જાણવા મળ્યું છે.

ખોખાવલી તળાવ ઉભરાયું
ચંદનવન સોસાયટી પાછળ આવેલું ખોખાવલી તળાવ ઉભરાયું હતું. આ તળાવનો લાખોનાં ખર્ચે વિકાસ કરવા છતાં ખાલી રહ્યું હતુ, જેમાં એક સાથે વધુ પાણી તળાવમાં ઠલવાતા સુરત બદલાઈ ગઈ હતી.

પાણીમાં ઝેરી સાપ એકને ડંખ મારતા સારવાર હેઠળ 
સૌથી ખરાબ સ્થિતિ ગુરૂવારે પણ રેલવે ફાટક સામેના હળપતિવાસની રહી હતી. સતત બીજા દિવસે અહીંના 12 ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી રહ્યાં હતા. જેને લઇને અહીં રહેતા 50 લોકોને ગુરૂવારે પણ ઘરની બહાર અન્યત્ર આશરો લેવાની ફરજ પડી હતી. તંત્ર અહીંથી પાણીનો નિકાલ કરી શક્યું ન હતુ. આ વિસ્તારોમાં ઝેરી સાપ પણ ઘરોમાં ફરતા થયા છે. જેમાં એક સાપ અહીંના મોહન હળપતિ નામના શખ્શને કરડતા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુરૂવાર સાંજ સુધીનાં 24 કલાકમાં વિજલપોરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે.