15 July 2018

નવસારીમાં સાંબેલાધાર વરસાદને પગલે વિવિધ રસ્તાઓ ધોવાઇ ગયા


નવસારી શહેરમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે વિવિધ રાજમાર્ગો ધોવાઇને બિસ્માર બન્યા છે. રસ્તા ધોવાઇ જતાં વાહન ચાલકો- રાહદારીઓ સામે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળે છે.

નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી શહેરમાં વિવિધ રાજમાર્ગો પાણીમાં ધોવાઇ જતાં નાના-મોટા ખાડા ટેકરાઓથી રસ્તા બિસ્માર બન્યા છે. નવસારીમાં ટાટા સ્કૂલથી ઝવેરી સડક જતા રસ્તા પર ખાડાઓ પડતાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે.  એસ.ટી. ડેપો ખાતેનો રસ્તો પાણીમાં ધોવાઇ જતાં બિસ્માર બન્યો છે.

રસ્તાના ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલું રહેતા લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ચારપુલથી લુન્સીકુઇ જતા રસ્તા પર પણ ખાડા-ટેકરા થઇ ગયા છે. શહીદ ચોક પાસે રસ્તા પર ખોદકામ બાદ યોગ્ય મરામત ન થતાં રસ્તો બેસી જતાં વાહનચાલકો સામે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. આ ઉપરાંત સયાજી વૈભવ લાયબ્રેરી સામે મુખ્ય રસ્તા પર ખોદકામ બાદ યોગ્ય મરામત ન થતાં અને રસ્તો પાણીમાં ધોવાઇ જતાં ખાડા-ટેકરાઓને કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડતા ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે.

નવસારી સ્ટેશનથી વિજલપોર જતો રસ્તો પણ પાણીમાં ધોવાઇ ગયો છે. આમ શહેરમાં વિવિધ રાજમાર્ગો વરસાદમાં ધોવાઇ જતા ખાડા-ટેકરાઓથી બિસ્માર બનતાં લોકોમાં રોષ જોવા મળે છે. પાલિકા તંત્ર દ્વારા જર્જરિત બનેલા માર્ગોની તાકીદે મરામત કરે એવી લોકોમાં માંગણી ઉઠી છે.