19 July 2018

નવસારી ‘મહાપાલિકા’ બનાવવા ફરી વિગતો મંગાવાઈ


નવસારી મહાપાલિકાનો મુદ્દો છેલ્લા કેટલાય વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે. અહીંની નવસારી નગરપાલિકાએ તો અનેક વખત ‘મહાપાલિકા’ બનાવવા અંગેની દરખાસ્ત પણ સરકારમાં કરી છે. અહીંના સ્થાનિક ધારાસભ્યોએ પણ પંથકના વિકાસ માટે નવસારી મહાપાલિકા બનાવાય એવી રજૂઆતો કરી છે.

આમ છતાં આજદિન સુધી એક યા બીજા કારણે નવસારીને મહાપાલિકા બનાવાઈ નથી. જોકે હવે રાજ્ય સરકાર નવસારી સહિત અન્ય કેટલીક પાલિકાઓને ‘મહાપાલિકા’ બનાવવા ગંભીરપણે કવાયત કરી રહ્યાની જાણકારી મળી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે હાલમાં સંલગ્ન પાલિકાઓને લખેલ પત્ર આ કવાયતના ભાગરૂપ છે.

ફાયનાન્સ બોર્ડે નવસારી-વિજલપોર સહિત રાજ્યની અન્ય સાત પાલિકા જેમાં આણંદ, ગાંધીધામ, મોરબી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-દુધરેજ, વઢવાણને એક પત્ર બે દિવસ અગાઉ જ લખ્યો છે. આ પત્રમાં ઉક્ત નવસારી સહિતની પાલિકાઓને ‘નગરપાલિકાઓને મહાપાલિકામાં ફેરવવા કેટલીક વિગતો માગી છે. જેમાં પાલિકાઓની ત્રણ વર્ષની આવક, ત્રણ વર્ષનો ખર્ચ, મંજૂર જગ્યાઓ, મંજૂર પૈકી ભરાયેલી જગ્યા, ત્રણ વર્ષનો પગાર ભથ્થાનો ખર્ચ અને મહેકમ ખર્ચની ટકાવારીનો સમાવેશ થાય છે. પાંચ જ દિવસમાં આ માહિતીઓ અહીંની નવસારી-વિજલપોર પાલિકા પાસે પણ માંગવામાં આવી છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે નવસારી (સહિતની અન્ય પાલિકાઓને પણ) પાલિકાને મહાપાલિકામાં રૂપાંતર માટે આર્થિક પાસાની વિગતો માંગવામાં આવી છે એવું પણ પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે.

આ બાબત દર્શાવે છે કે રાજ્યકક્ષાએ મહાપાલિકા બનાવવાની કવાયત ચાલી રહી છે. હાલ જુલાઈમાં આ પત્ર આવતા નજીકમાં આવતી 15મી ઓગસ્ટે જાહેરાત થાય એવી અટકળો પણ વહેતી થઈ છે.

મહા પાલિકામાં આ વિસ્તાર સંભવિત સમાવી શકાય 
નવસારીને મહાપાલિકા બનાવવા માટેની જે દરખાસ્ત નવસારી પાલિકામાંથી ગઈ હતી, તેમાં નવસારી અને વિજલપોર શહેર ઉપરાંત નજીકના ગામો જેવા કે છાપરા, જમાલપોર, ઈંટાળવા, તીઘરા, કબીલપોર, કાલીયાવાડી, ચોવીસી અને વિરાવળને સમાવવાની વાત હતી. જોકે સરકાર મહાપાલિકા માટે વસતિનું ધારાધોરણ કેટલું રાખે તેના ઉપર સઘળો આધાર છે. જો 3 લાખનું ધારાધોરણ નક્કી થાય તો નજીકના 8-9 ગામ જ લઈ શકાશે અને 3 લાખથી વધુ વસતિ નક્કી થાય તો વધુ ગામો સમાવવા પડશે!

‘નૂડા’ ઘણાં સમયથી કોમામાં 
નવસારી પંથકના આયોજનબદ્ધ વિકાસ માટે સરકારે ડિસેમ્બર 2015માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)ની જાહેરાત કરી હતી. જાહેરાતના સમયે તો 97 ગામો સમાવાયા હતા. બાદમાં ક્રમશ: ઘટાડો કરી 17 ગામો જ હાલ રહી ગયા છે. અગાઉ નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન બનાવાયા બાદ વધુ 9 ગામ નૂડામાંથી કાઢી નંખાતા ઉક્ત ડી.પી. પણ નકામો બન્યો છે. છેલ્લા 9 મહિનાથી નવો ડી.પી. બનાવવા અંગેની સૂચના પણ સરકારમાંથી મળી નથી. જેને લઈને છેલ્લા 9 મહિનાથી નૂડા કોમામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જો નવસારીને ‘મહાપાલિકા’ બનાવાય અને નજીકના ગામોનો સમાવેશ તેમાં કરાવાય તો નૂડાના બિનપ્રસ્તુત થઈ જશે. જેથી સરકાર નવસારીને ‘મહાપાલિકા’ બનાવવાની દિશામાં આગળ ‌વધી રહી હોય નૂડાને કાર્યરત કરવા કોઈ જ પગલાં લઈ રહી નથી એવી પણ ચર્ચા ચાલી રહી છે.

નવસારીને ‘મહાપાલિકા’ના ઉજળા ચાન્સ 
ગુજરાતમાં મુખ્યમંત્રીપદે આનંદીબેન પટેલ હતા ત્યારથી મારી રજૂઆત ‘નવસારી મહાપાલિકા’ અંગેની છે. સરકારમાં 8થી 9 નવી મહાપાલિકા બનાવવાની વાતો તો ચાલી જ રહી છે. નવસારીને પણ ‘મહાપાલિકા’ બનવાના ઉજળા ચાન્સ છે. મારા મત મુજબ તો મહાપાલિકા બનવી જ જોઈએ. - પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી