20 July 2018

નવસારીમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો ચીંથરેહાલ


નવસારી શહેરમાં માત્ર જુલાઇ માસનાં 19 દિવસમાં જ 45 ઇંચથી વધુ વરસાદ ઝીંકાયો છે. આ ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે તો અનેક ક્ષેત્રમાં નુકસાની પણ થઇહોવાની વિગતો બહાર આવી રહી છે.હાલ પણ નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ જ છે.

પાલિકાને તાબડતોડ 27 લાખનો ખર્ચ કરવો પડશે
હજારો વાહનચાલકો દરરોજ જેનો ઉપયોગ મહત્તમ કરે છે એ પાલિકાનાં માર્ગોને પણ નુકશાની થઇ છે. શહેરમાં ચારપુલ રોડ, ડેપો રોડ, લાયબ્રેરી રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક માર્ગો તૂટી ગયા છે. શહેરનાં પશ્ચિમે રેલવે સ્ટેશનથી મફતલાલ મીલનાં વણાંક સુધીનો માર્ગ તો બિલકુલ જ તૂટી ગયો છે. ખાડાં જ ખાડાં નજરે પડે છે, સારો માર્ગ શોધવો દુશ્કર બન્યો છે. પાલિકા તંત્રએ તાબડતોડ ખાડાંઓ પુરવા મટીરીયલ નાંખવાનું શરૂ કર્યુ છે પરંતુ ધોધમાર ઝાપટાં આ મટીરીયલને પણ ધોઇ રહ્યાં છે. કેટલાક માર્ગો ઉપર તો વાહનચાલકોને વાહન હંકારવું પણ મુશ્કેલ બન્યું છે.

નવસારી પાલિકાનાં સીટી ઇજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે, 'ભારે વરસાદથી માર્ગોની નુકશાની થઇ છે. હાલ તાબડતોડ પાલિકાને કરવો પડતી ખર્ચ પેટે 27 લાખ રૂપિયાની નુકશાની થઇ હોવાનો રીપોર્ટ કરવામાં આવ્યો છે.'

નવસારીમાં જો નવા રોડ બનાવાતે તો
નવસારી શહેરમાં કેટલાક સમય અગાઉ 58 જેટલા માર્ગ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ માટે 3.50 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ થશે. આ મંજુર થયેલ માર્ગો ચોમાસા અગાઉ ઉનાળામાં બનાવવા કે દશેરા બાદ બનાવવા તે અંગે વિવાદ થયા બાદ ઉનાળામાં રોડ બનાવાયા ન હતા. જોકે રોડ ન બનાવવાનો નિર્ણય સાચો સાબિત થયો છે. જો રોડ બનાવાયા હોત તો આટલા ભારે વરસાદમાં તો નવા રોડ પણ તૂટી ગયા હોત એમ જાણકારો જણાવે છે.