21 July 2018

નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં સઘન આરોગ્ય ઝુંબેશ હાથ ધરાઈ


નવસારી જિલ્લામાં કાવેરી અને અંબિકા નદીમાં આવેલા પૂરના કારણે ગણદેવી તાલુકાના તટ વિસ્તારના અનેક ગામો પૂરગ્રસ્‍ત બન્યા હતા. પાણી ઓસરતા આ અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો ન ફેલાય તે માટે નવસારી કલેકટર ડો. એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સઘન આરોગ્ય ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય સંજીવની રથ મોબાઇલ વાન દ્વારા અસરગ્રસ્‍ત ગામો ચીખલી તાલુકાના ઘેકટી, હોન્‍ડ, તલાવચોરા, હરણગામ, સાદકપોર, ફડવેલમાં જઇને મોબાઇલ વાન દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી કરીને સારવાર આપવામાં આવી રહી છે.

ગણદેવી તાલુકામાં દેવધા, તલીયારા, ધમડાછા, વાઘરેચ, ગોયંદી ભાઠલા, બીગરી, તોરણગામ, ઉંડાચ, મોરલી, કલમઠા વગેરે ગામોમાં પણ સંજીવની મોબાઇલ વાન દ્વારા આરોગ્‍ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી. મોબાઇલ વાન ઉપરાંત આરોગ્‍ય ટીમોએ ઘરે ઘરે જઇને પણ સારવાર આપી હતી.

20મી જુલાઈએ આરોગ્‍ય વિભાગની ટીમો દ્વારા 24244 ઘરોના 112470 લોકોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં તાવના 571 કેસો અને શરદી-ખાંસીના 344 તથા ઝાડાના 106 કેસો જોવા મળ્‍યા હતા. તેઓને સ્‍થળ પર જ તાત્‍કાલિક સારવાર આપવામાં આવી હતી. સર્વેલન્‍સ ટીમોમાં મેલ-ફિમેલ હેલ્‍થ વર્કર, આશાવર્કર, પેરામેડીકલ ટીમ જોડાઇ હતી. ટીમો દ્વારા 33250 કલોરીન ટેબલેટનું પણ વિતરણ કર્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે ચુનાના પાવડરનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્‍યલક્ષી કામગીરીમાં 64 ગામડાંઓ આવરી લેવાયાં હતાં.

image: krantibhaskar.com