22 July 2018

લુન્સીકૂઈના વિકાસ માટે ટેન્ડર પાસ થયા પછી ફરી કામ મુકાતાં શાસક પક્ષના સભ્યનો જ વિરોધ


ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારીને રૂ. 4 લાખ આર્થિક સહાય આપવા સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવી અન્ય સામાજિક સંસ્થાઓને પણ આપવું પડશે ત્યારે શું સ્થિતિ થશે એ બાબતે પાલિકાના સ્વભંડોળની સ્થિતિ શું થશે ω તેવો સવાલ ઉભો કર્યો હતો. સભા દરમિયાન વરસાદી માહોલમાં 55 ઈંચ વરસાદ નવસારીમાં થયો છતાં પાણીનો સરળતાથી નિકાલ થાય છે તેવી વાત એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ કરતા વિરોધ પક્ષના સભ્યોએ તેનો ભારે વિરોધ કર્યો હતો.

તમામ વિપક્ષના સભ્યો ઉભા થઈ ગયા હતા અને આજે પણ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો અને કેટલાકના ઘરોમાં પાણી ભરાયા છે તેનો નિકાલ થયો નથી તે અંગે ખુલાસો કરતા શાસક પક્ષના સભ્યોએ ચૂપકીદી સેવી લીધી હતી. આ વરસાદી પાણીના નિકાલ મુદ્દે લાંબા સમય સુધી હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સભ્ય પિયુષભાઈ ઢીમ્મરે કહ્યું હતું કે શહેરમાં 7 ઈંચ વરસાદ થાય છે તો પાણી પાણી થઈ જાય છે ત્યારે શાસક પક્ષે ખોટી વાતો કરવી ન જોઈએ.

સામે લાંબા સમય પછી શાસક પક્ષના સભ્યોએ પણ બચાવમાં પોતાની જવાબદારી નિભાવવા તાકિદ કરી હતી, જેથી ગરમાગરમીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત શાસક પક્ષના પાલિકા સભ્ય અને ગત ટર્મના બાંધકામ સમિતિના ચેરમેન જયંતિભાઈ ગોપાણીએ લુન્સીકૂઈ ગ્રાઉન્ડના વિકાસ કામમાં જરૂરી 91.74 લાખનું ટેન્ડર થયા પછી પણ તે કામ (91.70) પુન: સામાન્ય સભામાં લેવામાં આવ્યું છે તે અંગે ખુલાસો કરતા અને પાછુ એ કામ શા માટે લાવવામાં આવ્યું તેનાથી પૂર્વ અધિકારીઓ સામે શંકાની સોય ઉભી થવાની શક્યતા દાખવતા શાસક પક્ષ જ વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયો હતો. જેને લઈ વિપક્ષ માટે પણ તે ચર્ચાનો વિષય બની ગયો હતો. બાદમાં 15 મિનિટમાં સામાન્ય સભામાં મહત્તમ કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી.

નવસારી પાલિકાની સભામાં વરસાદી પાણીનો નિકાલ થયાનું શાસકે જણાવતાં જ વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો હતો.

રેનબસેરા સામે ભારે વિરોધ કરાયો
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં 100થી વધુ લોકોને સરકારી યોજનામાં આવાસ મળ્યા નથી ત્યારે એ વિસ્તારના રેનબસેરા નામે ભિક્ષુકો માટે વ્યવસ્થા ઉભી કરવાના આયોજન અંગે સામાન્ય સભામાં મુદ્દો ઉઠતા વિપક્ષ સભ્યોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ સામાન્ય સભામાં આ બાબતને લઈ હાજરી આપી હતી. રેનબસેરા અંગે તાત્કાલિક નિર્ણય લેવા એક્ઝિક્યુટીવ ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ અનુરોધ કર્યો હતો છતાં વિરોધ પક્ષે વિરોધ નોંધાવી દશેરા ટેકરીમાં રેનબસેરાની કામગીરી નહીં કરવા તાકિદ કરી હતી અને સ્થાનિક લોકોને આવાસ આપી ન્યાય કરવા જણાવ્યું હતું.

સલાહ આપવા જતા હોબાળો થયો
સામાન્ય સભામાં શાસક પક્ષના વોટરવર્કસના ચેરમેન ત્રિભોવન ચાવડાએ પાલિકાની સામાન્ય સભામાં વર્તન બાબતે સલાહ આપતા તેમણે અહીં શાકભાજી માર્કેટમાં વાતો કરતા હોય તેવો માહોલ બન્યો છે, પ્રમુખે તે બાબતે તાકિદ કરવું જોઈએ. આ વાતને લઈ વિરોધ પક્ષ સામે આવી ગયો હતો અને એકજૂથ થઈને જણાવ્યું હતું કે લોકોએ ચૂંટીને મોકલ્યા છે એટલે તમામ મુદ્દે ચર્ચા તો કરવી જ પડે. જેને લઈ થોડો સમય હોબાળો મચી ગયો હતો.