23 July 2018

બોગસ પાસપોર્ટ કેસમાં ના. મામલતદાર સહિત 15 આરોપીને 3 વર્ષની સખત કેદ


નવસારીમાં રંગુનનગર વિસ્તારમાં રહેતી વિદેશી મહિલાએ વિદેશમાં જન્મ થયો હોવા છતાં ભારતમાં જન્મસ્થળ બતાવીને તેના ખોટા દસ્તાવેજો ઉભા કરી ભારતીય પાસપોર્ટ બનાવી દીધાનું બહાર આવતા પોલીસે 15 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 15 આરોપીઓને અલગ અલગ ગુના હેઠળ 3-3વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

કેસની ટૂંક વિગત એવી છે કે નવસારીમાં રંગુનનગર વિસ્તારમાં આવેલા લોખંડવાલા કોમ્પલેક્સ નજીક ફતેપાર્કની સામે રોહાઉસમાં રહેતા બિલાલ શેખ રહે છે. તેમની પત્ની ફેમિદા વિદેશી હોવા છતાં તેની પાસે બોગસ ભારતીય બોગસ પાસપોર્ટ હોવાનું તાત્કાલિક એસઓજી પીએસઆઈ પી.આર. રાઠોડને માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી દીધી હતી. એ દરમિયાન બિલાલની પત્ની ફેમિદાનો જન્મ વીલાડે સેનાબેરા મોબામ્બિક કન્ટ્રી, સેન્ટ્રલ આફ્રિકા થયો હોવાની હકીકત બહાર આવી હતી. નવસારીના બિલાલ શેખ સાથે લગ્ન થયા બાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. 21 નવેમ્બર 2005ના રોજ અમેરિકન સરકારે ગેરકાયદે વસવાટને પગલે તેમને પરત નવસારી મોકલી દીધા હતા. આ પછી સુરત પાસપોર્ટ ઓફિસમાં ફેમિદાએ અરજી કરી જરૂરી દસ્તાવેજો રજૂ કરી ભારતીય પાસપોર્ટ મેળવી લેધો હતો. એ પછી તેણે શહેરના ટાવર વિસ્તારમાં આવેલા ઈન્ટરનેશનલ ટ્રાવેલ્સવાળાને ત્યાં પ્રોસેસ માટે મુક્યો હતો. એ પછી તેના પતિ બિલાલે પણ પાસપોર્ટ ન હોવાથી નવો પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી.

ફેમિદાના જન્મસ્થળ બાબતે પોલીસે તપાસ કરતા વિરોધાભાસ જણાયો હતો. કામરેજના ઘલા ગ્રામ પંચાયતમાં જે અંગેનું જન્મનું પ્રમાણપત્ર હતું. આ પ્રમાણપત્રમાં જે તલાટીની સહી કરાઈ હતી, તે તલાટી નોકરી પર હાજર ન હોવા છતાં તેની ખોટી સહી હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ફેમિદાએ તેનું ખોટું નિવેદન નોંધાવ્યું હતું. વધુમાં જન્મસ્થળ અન્યત્ર હોવા છતાં જન્મસ્થળ ભારતીય હોવાનો ખોટો પુરાવો ઉભો કરી નાયબ મામલતદાર દરજ્જાના જાહેર નોકર સમક્ષ એફીડેવિટ કરાવી ખોટો પુરાવો ઉભો કર્યો હતો. પાસપોર્ટ ફોર્મ ઉપર પણ ખોટી હકીકતો દર્શાવી હતી. આથી ભારતીય પાસપોર્ટ મેળવવા ખોટા પુરાવાને સાચા તરીકે ઉપયોગ કરી વિદેશ જવાની પેરવી કરતા એકબીજાની મેળાપીપણામાં ઠગાઈ કરનાર 15 સામે પોલીસે કેસ દાખલ કરતા બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજ એ. આર. તાપીવાલાની કોર્ટમાં ચાલી ગયો હતો. આજે કોર્ટમાં સરકારી વકીલ કે. એમ. પટેલ અને કે. આર ત્રિવેદીએ દલીલો કરતા તમામ આરોપીઓને પુરાવાઓને ધ્યાનમાં રાખીને જુદા જુદા ગુનામાં એકસાથે  3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

કોર્ટે સજા ફટકારી તે આરોપીઓ 
નવસારીની કોર્ટે ફેમિદા શેખ, બિલાલ શેખ, શબ્બીર શેખ, નાયબ મામલતદાર પ્રવિણ પટેલ, ભગુભાઈ મિસ્ત્રી, દેવદત્ત પાટીલ, દિપક મિસ્ત્રી, દિપક પ્રધાન, ઝાકીરહુસેન પટેલ, ઈકબાલ પટેલ, મોહમદ કાદરી, મુસ્તાક મલેક, ઈમ્તિયાઝ મલેક, દિલીપભાઈ પરમાર, રાજેન્દ્રસ્વામીને સજાનો હુકમ કર્યો હતો.