26 July 2018

નવસારીનો ઐતિહાસિક ગાયકવાડી ગેટ હાલ બંધ


નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલો ઐતિહાસિક 'ગાયકવાડી ગેટ' જર્જરિત થતાં હાલ ત્યાંથી અવરજવર બંધ કરવામાં આવી છે.

નવસારી શહેર ભૂતકાળમાં ગાયકવાડી સ્ટેટમાં સામેલ હતુ. જેને લઇને શહેરને આજે પણ ગાયકવાડી નગરી તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં ગાયકવાડી સમયની એક ઐતિહાસિક ઇમારત જુનાથાણા વિસ્તારમાં જિલ્લા ન્યાય મંદિરનું બિલ્ડીંગ પણ છે. વર્ષો જૂની આ ઇમારતમાંથી તાજેતરમાં જ નવી બનેલ ઇમારતમાં વિવિધ કોર્ટો ખસેડવામાં આવી છે. આવું જ એક ગાયકવાડી સમયનું ઐતિહાસિક બાંધકામ જુનાથાણા વિસ્તારમાં જ 'ગાયકીવાડી ગેટ' પણ છે. રજવાડા સમયનાં ભવ્યતાની યાદ અપાવતો આ ગાયકવાડી ગેટમાંથી જિલ્લાનાં સરકારી પટાંગણ, કોર્ટોમાં અવરજવર થતી રહી છે.

આ વર્ષો જુનો ઐતિહાસિક ગાયકવાડી ગેટનો કેટલોક ભાગ હાલમાં જ ભોયભેંગો થયો હતો. જેને લઇને હવે વર્ષો જુનો આ ગેટ જર્જરિત બન્યાનું બહાર આવ્યું હતુ. ગેટ જર્જરિત બનતા હાલમાં આ ગાયકવાડી ગેટ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

આ અંગે માર્ગમકાન વિભાગમાં પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે, ગાયકવાડી ગેટની મરામત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે હાલ પડી રહેલા સતત વરસાદને કારણે મરામત થઇ શક્તી નથી.