27 July 2018

વિજલપોરમાં નવા RCC રોડ 1 વર્ષ ન ટક્યા


નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના પ્રવેશદ્વાર સમા આશાપુરી મંદિરથી શુશ્રૃષા હોસ્પિટલના સર્કલ સુધી હાલમાં જ આરસીસી રોડ બનાવાયો છે પરંતુ તેની કામગીરી એટલી બધી નબળી સાબિત થઈ છે કે એક વર્ષ પહેલાં જ કામગીરીએ તેનું પોત પ્રકાશ્યું હતું. હવે જોવાનું એ છે કે તેમાં ભ્રષ્ટાચાર થયો છે કે કામગીરી જ નબળી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લોકોએ આવાગમન માટે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

લોકોને એવું થયું હતુ કે પાલિકા દ્વારા આરસીસી બનાવવાની સારી કામગીરી થઇ રહી છે. આરસીસી રોડ ટકાઉ હોવાનું માનવામાં આવે છે ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ રોડ ઉપર પડેલ ગાબડાને લઇ અનેક તર્કવિતર્ક શરૂ થઇ ગયા છે. રૂ. 17 લાખના ખર્ચે બનેલ અલ્કાપુરી સોસાયટી વિસ્તારનો રોડ ઉપર 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. જેને લઇ સ્થાનિક પ્રજા મુશ્કેલીમાં મુકાઇ રહી છે. આ ગાબડામાં હાલ ચોમાસાને પગલે પાણી ભરાતા વાહનચાલકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરના પ્રવેશદ્વારસમા ગણાતા આશાપુરી મંદિરથી શુશ્રૃષા હોસ્પિટલ જતા આરસીસી રોડ ઉપર વરસાદી પાણી ભરાતાં લોકોની હાલત કફોડી બની છે.

શહેરમાં આરસીસી રોડ ઉપર પડેલા ગાબડાનું રીપેરીંગ કામ વહેલી તકે નહીં થાય તો સ્થાનિક લોકો વિજલપોર પાલિકાએ ધામો નાંખવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે. આરસીસી રસ્તા ઉપરાંત શહેરના અન્ય માર્ગો ઉપર પણ ખાડા પડી જતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

અલકાપુરી સોસાયટીમાં આરસીસી રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રસ્ત
વિજલપોરમાં અલ્કાપુરી સોસાયટીમાં આરસીસી રોડ ઉપર પડેલા ગાબડાને કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.

કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જરૂરી
આરસીસી રોડ ઉપર ખાડા પડવાથી ચોમાસામાં ખાડા ન દેખાતા અકસ્માતો પણ થતા રહે છે. વાહનચાલકો સહિત રોજબરોજનાં આવાગમન કરનારા લોકો માટે પણ રસ્તા જોખમી બન્યાં છે. 1 વર્ષ પૂરૂ થાય તે પહેલાં જ રસ્તા ઉપર પડેલા ખાડાને લઇ તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જેણે પણ કામ કર્યુ છે એવા કોન્ટ્રાકટરો સામે પાલિકાએ કડક કાર્યવાહી કરવી જોઇએ. - નીરજ પાંડે, સ્થાનિક રહીશ

પાલિકાએ લોકોનું ધ્યાન રાખવું જોઇએ
રસ્તાઓ બનાવતી વખતે પાલિકાના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપવી જોઇએ અને જો કામગીરી યોગ્ય ન હોય તો તાત્કાલીક તેની સામે કાર્યવાહી કરી બીજીવાર તેને કોન્ટ્રાક્ટ આપવો જોઇએ નહીં. વાહનચાલકો માટે રસ્તા ઉપર પડેલ ખાડા મોટું જોખમ બની ગયા છે. પાલિકાએ લોકોનું ધ્યાન રાખવું જોઇએ. - સાગર તિવારી, સ્થાનિક રહીશ

ખાડા ધ્યાન પર આવતાં કોન્ટ્રાકટરને નોટિસ આપી કાર્યવાહી કરવા તાકીદ કરી છે
આરસીસી રોડ ઉપર પડેલા ખાડા ધ્યાન પર આવ્યા છે અને તેને લઇ કોન્ટ્રાકટર સામે નોટીસ આપી કાર્યવાહી કરાઇ છે. આ ઉપરાંત ચીફ સાહેબે પણ સ્પષ્ટપણે સૂચના આપી આરસીસી રોડ ઉપર પડેલા ગાબડા રીપેર કરી દેવા તાકીદ કરી છે. - શશિભાઇ પટેલ, પાલિકા એન્જિનિયર, વિજલપોર