28 July 2018

નવસારીની 115 હોસ્પિટલમાં આજે મેડિકલ સેવા ઠપ થશે


સમગ્ર દેશમાં નેશનલ મેડીકલ કાઉન્સીલ બીલ એક્ટના વિરૂદ્ધમાં તમામ હોસ્પિટલના ડોક્ટરો 28મી જુલાઇના રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી હડતાળ ઉપર ઉતરી જશે, જેને કારણે તમામ ઓપીડી બંધ રહેશે. જોકે ઇમરજન્સી સેવા ચાલું રાખવામાં આવશે. નવસારી મેડીકલ એશોસીએશન પણ આ હડતાળમાં જોડાશે. જેને લઇ નવસારીની અંદાજીત 115 હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ખોરવાશે.

સમગ્ર દેશમાં નેશનલ મેડીકલ કાઉન્સીલ બીલ એક્ટનો ડોક્ટર દ્વારા વિરોધ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં મેડીકલ એસોસીએશન દ્વારા આ બીલ સામે અવારનવાર લેખિત ફરિયાદ કરવા છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. જેને લઇ સમગ્ર દેશનાં ડોક્ટરો દ્વારા આ બીલનો વિરોધ કરાઇ રહ્યો છે. નવસારી મેડીકલ એસોસીએશન પણ તેને સમર્થન આપ્યું છે.

નવસારીમાં ટ્રસ્ટ સંચાલિત 15 અને 100 પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે. આ તમામ હોસ્પિટલોના ડોક્ટર 28મી જુલાઇનાં રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના રોજીંદા કામથી અળગા રહેશે. જેને લઇ ઓપીડી બંધ રહેશે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ અગાઉ પણ નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી આ અંગે કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા ફરી ડોક્ટરો હડતાળ પર ઉતરશે. નવસારીના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાઇને નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલનો વિરોધ કરશે.