30 July 2018

નવસારીમાં રાંધણગેસ ચોરીનું રેકેટ ઝડપાયું, બેની ધરપકડ


નવસારી જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નવસારી-બારડોલી રોડ ઉપરથી રાંધણગેસ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. પોલીસે સ્થળ ઉપરથી બે જણાની ધરપકડ કરી હતી. જ્યારે એક પોલીસની રેઇડ જોઇને ભાગી ગયો હતો. પોલીસે આરોપીઓની ધરપકડની સાથે કુલ 3.01 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જિલ્લા પોલીસ અધીક્ષક નવસારીએ ગેરકાયદે ગેસના બાટલામાંથી ગેસ ચોરી કરનારાને પકડી પાડી કેસ શોધી કાઢવા સૂચના આપી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 46 જેટલા ઇન્ડેન કંપનીના ગેસના બાટલા મળી આવ્યા હતા, પોલીસે તેમની ધરપકડ કરતાં કારનામું બહાર આવ્યું હતું.

બારડોલી રોડ પર ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ટ્રાન્સફર કરતા બે ઝડપાયા

જેના આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બારડોલી રોડ ગજાનંદ ટાઇલ્સની પાછળ પદ્માવતી પૌવામીલ પાસે કેટલાક ઇસમો એકબીજાની મદદગારીથી ઇન્ડેન કંપનીના ગેસ ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ટ્રાન્સફર કરી ગેસની ચોરી કરી રહેલ છે. જે મળેલ બાતમી હકીકતથી કે. જી. લીંબાચીયા પોલીસ ઇન્સપેક્ટર એસઓજી નવસારીએ એક ટીમ બનાવી આ જગ્યાએ એસઓજી પોલીસના માણસોએ રેઇડ કરી હતી. જ્યાં જગ્યાએથી સુરેશ બાબુરામ બિસ્નોઇ (રહે. પદ્માવતી પૌવામીલ પાસે, બારડોલી રોડ) જીઆઇડીસી નવસારી મૂળ રહે. બિકાકોર તા. ઓસીયા જી. જોધપુર રાજસ્થાન, અશોકભાઇ બાબુરામ બિસ્નોઇ રહે. પદમાવતી પૌવામીલ પાસે બારડોલી રોડ જીઆઇડીસી, નવસારી મૂળ રહે. લોહાવટ ગામ જી.ફલોદી રાજસ્થાન, સ્થળ પર પકડાઇ ગયા હતા. અન્ય એક શખ્સ સોમરાજ બાબુરામ બિસ્નોઇ રહે. પદ્માવતી પૌવામીલની પાસે બારડોલી રોડ જીઆઇડીસી નવસારી મૂળ રહે. ચંદ્રનગર ગામ તા. લોહાવટ જી. ફલોદી, રાજસ્થાનનાનો પોલીસની રેઇડ જોઇ નાસી ગયો હતો.

આ ચોરીના કૌભાંડમાં ઘણા ગ્રાહકો ભોગ બન્યાની શક્યતા છે
પકડાયેલ આરોપીઓના કબજામાંથી ઇન્ડેન ગેસના 46 બાટલા રૂ.33,580 તથા બાસુરી પાઇપ નંગ 2 રૂ.100 તથા કબજે કરેલ મોબાઇલ નંગ 3 રૂ. 18,000 તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ વાન રૂ.2,50,000 મળી કુલ રૂ. 3,01,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 379,114 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા 1955ની કલમ 3,7 મુજબ કાયદેસર કાર્યવાહી થવા ફરીયાદ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગેસની ચોરી કરેલ ગેસ ક્યાં વેચે છે, કેટલાક સમયથી વેચે છે વગેરે બાબત આગામી દિવસો માટે પોલીસ માટે તપાસનો વિષય છે.પકડાયેલ બંને આરોપીને પોલીસે રવિવારે કોર્ટમાં રજૂ કરતા 30મી સુધીના (એક દિવસના) રીમાન્ડ મળ્યા હતા. આ ચોરીના કૌભાંડમાં ઘણા ગ્રાહકો ભોગ બન્યાની શક્યતા છે.

એક વર્ષ પહેલાં પણ ચોરી પકડાઇ હતી
આજથી આશરે એકાદ વર્ષ પહેલા પણ નવસારી-બારડોલી રોડ ઉપરની એક જગ્યાએથી જ રાંધણગેસ ચોરી પકડાઇ હતી. તે સમયે બાતમીના આધારે જિલ્લા પુરવઠા વિભાગે ઓપરેશન પાર પાડ્યું હતું. હાલમાં પકડાયેલ આરોપીઓ ગત વખતના આરોપીઓનાં સંબંધી હોવાની એક જાણકારી પણ મળી હતી.

ગ્રાહકે વજન કરીને બાટલો લેવો જોઈએ
રાંધણગેસની ઘરે ઘરે ડીલીવરી કરવા માણસો આવે છે. આ માણસો પાસે સામાન્યત: ગેસનો બાટલો વજન કરીને લેવાનો હોય છે પરંતુ મોટે ભાગે ડીલીવરી મેન વજન કરીને આપતો નથી અને ગ્રાહકો પણ ખાસ આગ્રહ રાખતા નથી. જેથી ઓછો ગેસ મળવાની શક્યતા રહે છે. રાંધણગેસ ચોરી કરનારા પણ આ બાબતનો જ લાભ પણ લેતા હોય છે.

ચોરી કઇ રીતે થઇ હતી
44 બોટલો લઇને ટેમ્પો શનિવારે નીકળ્યો હતો. કંપનીએ તમામ બોટલો પૂરી ભરીને આપી હતી. જેમાંથી આઠેક બોટલ ગ્રાહકોને આપી ભરેલી આપી હતી. તેની સામે આઠેક બોટલો ખાલી મળી હતી. ત્યાં ગુનાવાળી જગ્યાએ જઇ બાકીની ભરેલ 35 જેટલી બોટલોમાંથી થોડો થોડો ગેસ ખાલી મળેલ બોટલોમાં ભર્યો હતો. આ રીતે ચોરી કરાતી હતી.- કે. જી. લીંબાચીયા, પી. આઇ, નવસારી એસઓજી