31 July 2018

નવસારીમાં લારીના ભાડા વધારતાં વિરોધ


નવસારીમાં વધારાયેલા લારી ગલ્લાનાં ભાડાં સામે લારી ગલ્લાનાં વેપારીઓએ નારાજગી દર્શાવી ભાડા ઘટાડવાની માંગ શાસકો સમક્ષ કરી હતી.

તાજેતરમાં નવસારી પાલિકાએ શહેરમાં આવેલા લારીગલ્લા, ટોપલા-પાથરણાંના ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવા ભાડા મુજબ લુન્સીકુઇ, સ્ટેશન અને ફુવારા વિસ્તારની ખાણીપીણીની લારીઓનાં દૈનિક 15 રૂપિયાથી વધારી 100 રૂપિયા તથા શહેરનાં અન્ય વિસ્તારની લારી માટે 15 રૂપિયાથી વધારી 50 રૂપિયા કરાયા છે.

શાકભાજી, ફળફળાદિ કટલરી વિગેરેની લારી તથા પાથરણા-ટોપલા માટે પણ સાધારણ વધારો કરાયો છે. ખાસ કરીને 15 રૂપિયાથી 100 રૂપિયાનાં ભાવ કરાવા સામે વિરોધ ઉભો થયો છે. આજે સોમવારે લારીગલ્લાવાળાઓનું એક પ્રતિનિધીમંડળ પાલિકામાં પ્રમુખ કાંતીભાઇ પટેલ, એક્ઝીક્યુટીવ કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવાણીને મળ્યું હતુ. લારીના વેપારીઓએ 100 રૂપિયાનું ભાડું વધુ પડતું હોવાની રજૂઆત કરી તે રદ કરવા જણાવ્યું હતુ. લારીવાળાની સાથે કોંગ્રેસી કોર્પોરેટર ધવલ દેસાઇએ પણ 15 થી 100 નો એકસાથે ભાડા વધારે પડતો હોઇ તે ન કરવાની રજૂઆત કરી હતી.

પ્રમુખ તથા એક્ઝી ચેરમેને લારીવાળાઓને તેમની રજૂઆત બાબતે વિચારણા કરાશે એવો સધિયારો આપ્યો હતો. સાથોસાથ લારીવાળાઓને સફાઇ રાખવા, લારીઓના પેટા કોન્ટ્રાક્ટ ન આપવા વિગેરે બાબતે કડક તાકીદ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે 1 ઓગષ્ટથી ભાડું વધારવાની વાત કરાઇ છે ત્યારે પાલિકા લારીવાળાઓની રજૂઆત સાંભળી ભાડાવધારો ઓછો કરશે કે નહીં તે જોવું રહ્યું!