1 July 2018

'એન્ટી મેલેરિયા' ઝુંબેશ, ઢગલાબંધ ટાયરો કબજે


નવસારી શહેરમાં પાલિકાએ 'એન્ટી મેલેરિયા' ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત મેલેરિયામાં મચ્છરોનું જ્યાં વધુ બ્રિડીંગ થાય છે એવા ટાયરો ઢગલાબંધ કબજે કર્યા છે.

નવસારીમાં ચોમાસાની શરૂઆત તો થઇ છે પરંતુ હજુ ચોમાસું જામ્યું નથી. ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતાં સૌથી વધુ ભય મેલેરિયા રોગનો રહે છે. આ સ્થિતિમાં નવસારી શહેરમાં મલેરિયા સહિત મચ્છરોથી ફેલાતા રોગ કાબૂમાં રહે તે માટે પાલિકાએ શહેરમાં 'એન્ટી મેલેરિયા' ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝુંબેશ અંતર્ગત પાલિકાનો મેલેરિયા વિભાગનો સ્ટાફે શહેરમાં ઘૂમી રહ્યો છે. શરૂઆત શહેરમાં અલ્પવિકસીત વિસ્તારોથી કરી છે. જેમાં તીઘરા નવી વસાહત, અલીફનગર, તીઘરાનાળ, દશેરા ટેકરી, રામજી ખત્રી, ઇસ્લામપુરા, બાપુનગર, ભેંસતખાડા, ગધેવાન, કમેલા, નહેરૂ નગર, કાગદીવાડ વિગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉક્ત વિસ્તારોમાંથી મચ્છરોનું બ્રિડીંગ થાય તેવા ટાયરો ઢગલાબંધ કબજે કરાયા હતા. ટાયરોમાં પાણી ભરાઇ મચ્છરોનું બ્રિડીંગ થાય છે. આ ઉપરાંત તરોપા, કુંડા, ફુલદાની, જુના ડબલા વિગેરેમાંથી પાણીનો ઢોળાવ કરાયો હતો. 'એન્ટી લારવલ' નો છંટકાવ ઓઇલ નાંખવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

પાલિકાના મેલેરિયા અધિકારી પરેશ નાયકના જણાવ્યા અનુસાર શહેરમાં હજુ ઘણા વિસ્તારોમાં 'એન્ટી મેલેરિયા' ઝુંબેશ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેલેરિયાનાં કેસોમાં ઘટાડો થયાનું પણ જણાવ્યું હતુ.