1 July 2018

શહેરમાં 80 જર્જરિત મકાનોમાં રહેતા 700થી વધુ લોકોને જાનનું જોખમ


નવસારી પાલિકાના સત્તાધિશોએ દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ 80 મકાન ધારકોને માત્ર નોટિસ મોકલીને સંતોષ માની લીધો છે પરંતુ તેના કારણે 700થી વધુ લોકોને જીવનું જોખમ ટળી જશે કે કેમ તે પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહ્યો છે. જો ભવિષ્યમાં ચોમાસા દરમિયાન કોઈ હોનારત થાય તો તેની જવાબદારી કોણ લેશે તે એક સવાલ બન્યો છે. દર વર્ષે નવસારી પાલિકા આવી મિલકતોને માત્ર નોટિસ જ આપે છે. નોટિસ આબાદ આગળ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઇ મિલકતધારક રિપેર કરાવે તો ઠીક બાકી આ અંગે પાલિકા જર્જરિત બિલ્ડીંગની તપાસ પણ થાય છે કે નહીં તે પણ એક પશ્ન છે.

પાલિકાએ ચોમાસુ આવતા મિલકત ધારકોને નોટિસ આપી સંતોષ માની લીધો
નવસારી નગરપાલિકા દ્વારા વર્ષોથી જર્જરિત મકાનો અંગે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. માત્ર પાલિકાના સત્તાધિશો દર વર્ષે ચોમાસુ પહેલા અગાઉની યાદી કાઢી માત્ર એકાદ વખત તસલ્લી ખાતર આંટાફેરા કરી મકાન જોઈ જર્જરિત હોવા અંગે નોટિસ પાઠવી દે છે. નવસારીમાં વર્ષોથી આ સિસ્ટમ બની ગઈ છે પરંતુ આજદિન સુધી નોટીસ પાઠવ્યા પછી જર્જરિત મકાન ધરાવતા માલિક કે સંચાલકો દ્વારા જર્જરિત મકાનનું રિપેરિંગ કામકાજ થયું છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં ઉણા ઉતરે છે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે 80 મકાન ધારકોને જર્જરિત મકાનો હોવા બાબતે નોટીસ પાઠવી છે અને તાત્કાલિક ધોરણે તેને ઉતારી લેવા તાકિદ કરાઈ છે. જો તેમ નહીં કરાશે તો પાલિકા તે જર્જરિત મકાન ઉતારી પાડશે અને તેનો ખર્ચ મકાન માલિક કે સંચાલકે ભોગવવાનો રહેશે.


મળતી માહિતી મુજબ 60 ટકા મકાનમાલિકોએ જર્જરિત મકાનોમાં રિપેરિંગ કામકાજ કરી દીધુ છે પરંતુ તે અંગે હજુ સુધી પૃષ્ટિ કરાઈ ન હોવાની વિગત સાંપડી છે. જેને લઈ ભરચોમાસે જો કોઈ જર્જરિત મકાન જમીનદોસ્ત થાય અને તેના કારણે જાનમાલને નુકસાન થાય તો તેની જવાબદારી પાલિકા તંત્ર લેશે કે કેમ ω તેવા સવાલો પણ ઉઠ્યા છે. ગત વર્ષે નવસારી પાલિકાએ 80 લોકોને જર્જરિત મકાનધારકોને નોટિસ પાઠવી હતી. જોકે તે પછી જરૂરી કાર્યવાહી થઈ ન હતી. ચાલુ વર્ષે પણ આવી જ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યાનું જણાઈ રહ્યું છે ત્યારે પાલિકા સત્તાધિશો દ્વારા આવા જર્જરિત મકાનધારકો સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ કે પછી જાનમાલના નુકસાન બાદ જાગશે એ સવાલ પણ ઉભો થયો છે.


સાતેક વર્ષ પહેલા દુર્ઘટના ટળી હતી
નવસારીમાં ચોમાસા દરમિયાન સાતેક વર્ષ અગાઉ વસંત ટોકીઝ (હાલ નથી) વિસ્તારમાં આવેલી રાજમહલ નામની બિલ્ડિંગ અચાનક જ નમી પડી હતી. તેના કારણે બિલ્ડિંગમાં રહેતા અંદાજિત અનેક પરિવારને મોટુ જોખમ ઉભુ થયું હતું. જોકે બિલ્ડિંગ ધીમે ધીમે નમી પડતા લોકોને બિલ્ડિંગમાંથી ઉતારવાનો સમય મળતા તમામ લોકોનો જીવ બચી ગયો હતો. બાદમાં પાલિકાએ તોડી પાડ્યું હતું.