19 July 2018

નવસારી કૃષિ યુનિવર્સિટીને દેશના ટોપ ટેનમાં સ્થાન મળ્યું


સમગ્ર દેશમાં કૃષિ અને સંલગ્ન ૭૪ યુનિવર્સિટીઓ પૈકી નવસારી કૃષિ યુનિવર્સિટીએ વર્ષ - ૨૦૧૭માં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરીને ધ્યાને લઇ દેશમાં નવમું સ્થાન અને રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

દેશની કૃષિ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનો કૃષિ શિક્ષણ વિભાગ દર વર્ષે દેશની યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. જેમાં યુનિવર્સિટીઓએ હાંસલ કરેલી સિધ્ધીઓ, સંશોધનો જેવા કે વિવિધ પાકોની નવી જાતો, વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ એનઇટી.જેઆરએફ અને એસઆરએફમાં  મેળવેલી સફળતા તેમજ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલ વિદ્યાર્થીઓનું પ્રમાણ, વિવિધ  પ્રોજેક્ટસનું સફળતાપૂર્વક અમલીકરણ, લાઇબ્રેરી, સુવિધા અને ઉપયોગ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકશ્રીઓએ રજૂ કરેલા સંશોધન પેપર,  કૃષક સમાજ માટે હાથ ધરાયેલા વિસ્તરણ કાર્યક્રમો અને તેની અસરો વગેરે બાબતોને ધ્યાને લઇ મૂલ્યાંકન કરી રેન્ડ ફાળવે છે.

જેમાં સમગ્ર દેશમાં નવમું સ્થાન અને દેશની રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી  દક્ષિણ ગુજરાતને ગૌરવ અપાવવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયાએ  કૃષિ યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વિસ્તારના ખેડૂતોને સહકાર બદલ અભિનંદન પાઠવી ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.