29 July 2018

વિજલપોરમાં આરોગ્ય સાથે ચેડાં કરનારો ઉંટવૈદ ઝડપાયો


વિજલપોરમાં કંપાઉન્ડરની નોકરી કરનારા ઉંટવૈદ છેલ્લા 3 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો રહ્યો હોવા છતાં જિલ્લા વહીવટીતંત્ર ઉંગતુ રહ્યું હતું. એસઓજીની સતર્કતાને કારણે આખરે વિજલપોરમાંથી બોગસ ઉંટવૈદ (ડોકટર)ને પોલીસે અર્બન હેલ્થ ઓફિસરને સાથે રાખી રેડ કરી ઝડપી લેતા હજારો લોકોને આ ઉંટવૈદના પંજામાંથી છૂટકારો મળ્યો છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) નવસારીના પીઆઈ કે.જી. લીંબાચીયા અને તેમની ટીમે વધુ એક વખત વિજલપોરમાંથી બોગસ ઉંટવૈદને ઝડપી પાડ્યો છે. એ અગાઉ પણ એસઓજીની ટીમે આવા બે બોગસ ઉંટવૈદને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરી હતી.

અગાઉ પણ વિજલપોરમાંથી જ બંગાળના યુવક બોગસ તબીબી પ્રેકટિસ કરતા પકડાયા હતા, ફરી એક પકડાયો 

બાતમીના આધારે એસઓજીની ટીમે વિજલપોરના રામનગરમાં વિવેક મોબાઈલ સ્ટોરની બાજુમાં આવેલ ગા બટઈ કલાઉ યાદવના ભાડાના મકાનમાં રેડ કરી હતી. એ દરમિયાન ત્યાંથી સરકાર શ્યામોલ નોલીન (ઉ.વ. 39, મૂળ રહે. વેસ્ટબંગાળ)ને ઝડપી પાડ્યો હતો. તે ડોકટરની પ્રેકટીસ કરતો હોવાનું જણાતા પોલીસે તેની પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર કે પ્રમાણિત ડિગ્રીની માંગણી કરી હતી. જોકે તેની પાસેથી તે કંઈ મળ્યું ન હતું. આથી વિજલપોર અર્બન હેલ્થ ઓફિસર ડો. રાહુલ મુકેશભાઈ પટેલની હાજરીમા આખરે બોગસ રીતે ડોકટરના નામે ઉંટવૈદુ કરનારા સરકાર નોલીનને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની અટક કરી હતી.

પોલીસે તેની પાસેથી કેટલાક સાધનો તથા દવાઓ મળી કુલ રૂ. 20,237નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગળની તપાસ એસઓજીએ વિજલપોર પોલીસને સુપરત કરતા તેની વધુ તપાસ જમાદાર લક્ષ્મણભાઈએ હાથ ધરી છે.


વિજલપોરમાંથી ઝડપાયેલો બોગસ ઉંટવૈદ (ડોકટર) તથા તેના દાવખાનાામાંથી પકડાયેલો એલોપેથી દવાનો જ્થ્થો પોલીસે કબજે કર્યો હતો.

વેસ્ટ બંગાળમાં ડોકટરોને ત્યાં કંપાઉન્ડર હતો
વેસ્ટ બંગાળમાં સરકાર નોલીન 4 વર્ષ સુધી એક ઓર્થોપિડિક ડોકટરને ત્યાં કંપાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો. એ પછી તેણે નોકરી છોડી પોતાનું દવાખાનુ શરૂ કરી દીધુ હતું. છેલ્લા ત્રણ વર્ષથી તે વિજલપોરમાં રહેવા આવી ગયો હતો અને તેણે વિજલપોરમાં ડોકટર તરીકેની છાપ ઉભી કરી પોતાન પ્રેકટીસ શરૂ કરી દીધી હતી.

વિજલપોરમાંથી અગાઉ બે ઉંટવૈદ ઝડપાયા હતા
એસઓજીની ટીમે 12મી જૂને વિજલપોરના વિઠ્ઠલ મંદિર સામે ગલીમાંથી ડિગ્રી વિના અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ ડોકટર તરીકેની પ્રેકટીસ કરનારા શંકરદાસ વિષ્ણુ નામના ઉંટવૈદને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 10460નો દવાનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે શિવમ ક્લિનિક નામના બોગસ દવાખાનામાં પ્રેકટીસ કરતો શંકર વિશ્વાસ નામના ઉંટવૈદ પાસેથી પણ પોલીસે રૂ. 23,843ની દવાનો જથ્થો ઝડપી લીધો હતો.