13 July 2018

ભારે વરસાદના પગલે નવસારી એસ.ટી. ડેપોની ૪૮ ટ્રીપ રદ થઈ


૧૧ મી જુલાઈએ નવસારી તાલુકામાં અતિભારે વરસાદે નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવેની અવરજવરને થભાવી દીધી હતી. નવસારી ડેપોએ સાંજના પાંચ સુધીમાં ૪૮ ટ્રીપ રદ કરવી પડી જેમાં બ્રિજ નીચે તથા ગ્રિડ-સિસોદ્રા વચ્ચેનું ભરાયેલું પાણી જવાબદાર હતું.

વિગત મુજબ આરટીઓ સિસોદરાથી ગ્રીડ વચ્ચેના હાઈવે ૪૮ ઉપર બે જગ્યાએ તથા ઓવરબ્રિજ નીચે ગ્રિડ ખાતે બે-ત્રણ ફૂટ જેટલાં પાણીના ભરાવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ધરમપુર ખેરગામ સુરત બસને સિસોદરાથી ગ્રિડના બે કિ.મી. કાપવા બે કલાક થયા. ભારે વાહનો ધીમી ગતિએ પાણીમાંથી પસાર થયા પણ કારચાલકોની હાલત કફોડી બની હતી.

નવસારી ડેપોની કૃષ્ણપુર જતી બસ સેવા- રેલ્વે સ્ટેશન વેજલપુર ખાતે અમલસાડ જતી સેવા- નવાગામ ખાતે અને બારડોલી તરફ જતી સેવા- ગ્રિડ નસીલપોર ખાતેના વરસાદી પાણી ભરાવાને લીધે રદ કરવી પડી હતી. જેની સંખ્યા સાંજના પાંચ સુધીમાં ૪૮ જેટલી હતી.

ભારે વરસાદી પાણીના અવરોધ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણના જવાબદાર અધિકારીઓ કે હાઈવે પોલીસના કોઈપણ કર્મી આ ટ્રાફિક અવરોધ દૂર કરવા ફર્યા હતા નહીં. જેથી સર્વિસ રોડ પર ભારે વાહનોથી જામ થયો હતો અને સ્થાનિકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. દર વખતે આ સ્થળે ભરાતા પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કેમ હાઈવેવાળા કરતા નથી તેવું ભોગી લોકો પૂછી રહ્યા હતાં.

જીપીએસ સેવા પણ ઠપ્પ 
એસ.ટી. નિગમ બસદિઠ રૃ. એક હજારથી વધુ ગ્લોબલ પોઝીસનીન્ગ સિસ્ટમ પાછળ દર માસે ખર્ચી રહ્યું છે. જેનાથી નિગમને કોઈ જ ફાયદો નથી છતાં બંધ જીપીએસની પણ ઈજારદારને સમયસર ચૂકવણી થાય છે. ૧૧ મી જુલાઈએ નવસારી-સુરત વચ્ચે આ સિસ્ટમની એક જાગૃત મુસાફરે તપાસણી કરતા આહવા ડેપોની ૦૦૦૨, ૦૮૮૭, ધરમપુર ડેપોની ૬૫૭૧, વલસાડની ૬૩૬, ૭૨૧, ૭૭૭ કે ૭૩૦૮, ૨૩૨૨, ૬૫૭૪ વિ. અનેક બસોની જીપીએસ સેવા બંધ હતી. બસમાં એકમ ચાલુ હતા પણ અદ્યતન માહિતી આપતા ન હતા. જેમાં બે કલાક સિસોદ્રા ફસાયેલી બસની અદ્યતન જાણકારી માટે ડેપો મેનેજરને ફોન કરતાં તેઓએ કંડકટરને પૂછીને જણાવ્યું કે ૬૫૭૧ એ ૧૨-૩૦ પછી મરોલી ક્રોસ કર્યુ છે.

જ્યારે ૧૨ મી તારીખે ૯૯૯૩ નંબરની બસ ધરમપુરથી એકના બદલે દોઢ વાગ્યે ઉપડી જેનો જીપીએસ એન્ટરીમાં ૧૩ કલાક લખ્યો પરંતુ નવસારી ૧૫-૨૪ કલાકે અને સુરત ૧૬૩૫ કલાકે પહોંચવાની સંભાવના હતા. જ્યારે ૬૫.૭૧ નું જીપીએસ બીજા દિવસે પણ બંધ હતું.

અતિભારે ચોમાસામાં બસ સેવા ક્યાં ખોટકાઈ છે એ જાણવા માટે આ ખર્ચા કરવામાં આવે છે જેનો નિગમ કોઈ જ લાભ લેતું નથી. અને આ માહિતી કંડકટરના ઈ-ટિકિટીન્ગ પણ જાણી શકાય છે કે ક્રુ ના મોબાઈલથી પણ મેળવી શકાય છે (જે મેનેજરે મેળવી છે) જેથી આ બિનજરૃરી ખર્ચા જ છે.