15 July 2018

ગાયકવાડી રાજની છેલ્લી નિશાની ગાયકવાડી ગેટમાં તિરાડ, ગાબડું પડ્યું


નવસારીમાં સરકારી કોલોની આગળ જૂનાથાણા ખાતે આવેલા ગાયકવાડી ગેટમાં તિરાડ પડી હતી અને પાછળનો કેટલોક ભાગ મોટા અવાજ સાથે તૂટી પડતા લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું. સરકારી વસાહતના લોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા. નવસારીમાં ગાયકવાડી રાજ હતું. એ દરમિયાન બનાવાયેલા સરકારી વસાહત આગળના ભાગે જૂનાથાણા ખાતે આવેલા ગાયકવાડી ગેટમાં શનિવારે સાંજના સમયે તિરાડ પડી હતી.


તિરાડ પડ્યા બાદ અચાનક જ આ ગેટના પાછળના ભાગમાં દિવાલનો કેટલોક ભાગ મોટાધડાકા સાથે જમીનદોસ્ત થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગેટની નજીકમાંથી જ સરકારી વસાહત શરૂ થાય છે.

કોઈ આવાગમન કરતું ન હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી
સદનસીબે ત્યાંથી કોઈ આવાગમન કરતું ન હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે, આ ગેટનો ભાગ તૂટી પડતા થયેલા અવાજથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે ગેટમાં પડેલી તિરાડને જોતાં તેઓએ પણ ત્યાં હાજર રહેવાનું મુનાસિબ માન્યું ન હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસને ટ્રાફિકને દૂર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે ગાયકવાડી ગેટમાં પાણી પચવાને કારણે આ ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આ ગેટનો જીર્ણોદ્ધાર કરાશે કે તેને દૂર કરાશે એ જોવું રહ્યું.