29 July 2018

નવસારીમાં સેઇફ એન્ડ સિક્યુરીટી યોજનામાં ૮૦ CCTV કેમેરા લાગશે


નવસારી શહેરના પ્રશ્નો-સમસ્યાઓ અંગે આજે બપોરે ટાઉન પોલીસ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાનો લોકદરબાર યોજાયો હતો. જેમાં ટ્રાફિક, રખડતા ઢોર, ગેરકાયદે બાંધકામ, પોલીસ સ્વાંગમાં દાગીના પડાવવાનાં પ્રશ્નો ઉઠયા હતાં. શહેરમાં ૮૦ જેટલા સ્થળોએ ''સેઇફ એન્ડ સિક્યુરીટી'' યોજના અંતર્ગત સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે.

લોકદરબારમાં વિહિપના અશ્વિનભાઇ બારોટે ગેરકાયદે બાંધકામ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જે અંગે ડીએસપી ડો. ગીરીશ પંડયાએ નવા બાંધકામ માટે ટ્રાફિક એન.ઓ.સી. લેવા પાલિકાતંત્રને પત્ર લખવા તથા ટ્રાફિક અવરનેશના કાર્યક્રમો ચાલતા હોવાનું જણાવ્યું હતું. ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થવાની પ્રક્રિયા શરૃ છે.

પાલિકા સભ્ય ધવલ દેસાઇએ ટ્રાફિક અંગે શહેરના મુખ્યમાર્ગો પર આવેલી શાળાઓ અંગે રજૂઆત કરી ટીનએજર્સને બાઇક નહીં આપવા અને ટીનએજર્સ ટ્રાફિક ડ્રાઇવ રાખવા જણાવ્યું હતું. કબીલપોરના સામાજીક કાર્યકર રતિલાલભાઇએ ટ્રાફિક માટે પ્રશ્ન ઉઠાવી ગ્રીડ રોડ પર એ.બી. સ્કૂલ પાસે વારંવાર અકસ્માત થતા હોય સ્પીડબ્રેકર મુકવા  જણાવ્યું હતું.

કોંગ્રેસના એ.ડી. પટેલે બાઇકચોરી અને પોલીસ સ્વાંગમાં રાહદારી-વૃધ્ધો પાસે દાગીના પડાવી લેવા બાબતે પ્રશ્ન કર્યો હતો. શહેરમાં રખડતા ઢોર- આખલાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉઠતાં પાલિકા દ્વારા આ માટે સુરત મ્યુનિ. કોર્પોરેશન સાથે મળી ૨૩ ઢોરોને મોકલી આપવામાં આવ્યા છે. વણેલાલ રાણાએએ ગણદેવી રોડ ઉપર તથા પારસી હોસ્પિટલ સામે ગાર્ડન પાસે ધૂમ સ્ટાઇલે બાઇકર્સો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જે અંગે પોલીસવડાએ નવસારી અને વિજલપોરમાં ગતિ મર્યાદા જાહેરનામું બહાર પાડવા જણાવ્યું હતું. વધુમાં શહેરમાં  ''સેઇફ એન્ડ સિક્યુરીટી''રાજ્ય સરકારની યોજના હેઠલ ૮૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. જેનું પોલીસ કંટ્રોલરૃમ પરથી સંચાલન કરવામાં આવશે. વધુમાં જલાલપોર ખાતે સરદાર પટેલ સ્કૂલ તથા નીલકંઠ સ્કૂલ ખાતે કેટલાંક લુખ્ખા તત્વો દ્વારા બહેનોની છેડતી થતી હોવાનો પ્રશ્ન ઉઠતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમજ શાળા કોલેજમાંથી દાંડી તરફ નીકળી જતાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દેખરેખ રાખશે.