1 August 2018

ટ્રક ડ્રાઇવરનો છોકરો પણ બિઝનેસમેન બની શકે છે : પરસી સુરતી


એક ટ્રક ડ્રાઇવરનો છોકરો એમની મહત્વકાંક્ષાઓને પાંખો આપે ત્યારે સમાજ એમની મહેનત, લગન અને હિંમતની કદર કરે એ તો સ્વાભાવિક વાત છે.! આવી જ એક સક્સેસ સ્ટોરી દિવ્ય ભાસ્કર, સુરત કાર્યાલય ખાતે શેર કરવામાં આવી, જેમાં સ્ટેલોન જીમના માલિક પરસી સુરતી અને કાશ્મીરા સુરતી હાજર રહ્યા. એમણે સંઘર્ષથી સફળતા સુધીની વાત કહી હતી.

‘15 વર્ષ સુધી ભરૂચ રહ્યો, 16 વર્ષનો હતો ત્યારે પિતાજીનું દેહાંત થઇ ગયું. તેઓ ટ્રક ડ્રાઇવર હતાં. એ સમયથી મારી જીંદગીની સ્ટ્રગલ શરૂ થઇ. ઘરમાં સંભાળવા માટે મારી માતાએ ખુબ જ સંઘર્ષ કર્યો. દવાઓને સાઇકલ લઇને વિવિધ જગ્યાઓ પર પહોંચાડતો હતો. એ સમયે 200 રૂપિયા પગાર હતો, ત્યાર પછી હોલીડે ઇન હોટેલમાં નોકરી મળી. બેલ બોલ તરીકે 2 વર્ષ સુધી કામ કર્યું, 6 મહિનામાં એસ્સારમાં વેઇટર તરીકે પણ કામ કર્યું, ટાઇપ રાઇટર રિપેર કરવાનું કામ પણ કરતો હતો. દરેક જગ્યાઓ અને જે કામ મળ્યું એ કર્યું હતું. જો કે ક્યારેય મને કોઇ પણ કામથી કંટાળો નથી આવ્યો. નાની જોબને પણ ખુબ રસ પૂર્વક કરતો હતો, એટલે મને એ કામ કરવામાં મજા આવતી.! 18 વર્ષથી જ હું માર્શલ આર્ટની ટ્રેનિંગ લેતો હતો એટલે નવસારીમાં એક બિલ્ડરની જગ્યા ખાલી પડી હતી ત્યાં 1995માં જીમની શરૂઆત કરી. આજે સ્ટેલોનના નામે સુરતમાં 6, નવસારી 2, ભરૂચ 1 અને અંકલેશ્વરમાં 1 જીમ છે.

પેટ પર 3 હજાર કિલોની બસ ચલાવી હતી 
પરસી ફિફ્થ ડેન બ્લેક બ્લેટ છે. પરસી સુરતીએ બાળકોથી ભરેલી બસ એમના પેટ પર ચલાવી હતી. માર્શલ આર્ટની પ્રેક્ટિસ અને માઇન્ડ કંટ્રોલને સહારે આ પ્રકારનું અશક્ય કામ શક્ય કરી બતાવ્યુ હતું.

કંઇક મેળવવા માટે સ્ટ્રગલ કરવી પડે.! 
પરસી સુરતી કહે છે કે ‘સ્ટ્રગલ વગર કઇ થતું નથી. ખાસ કરીને કસરતની બાબતમાં લોકો એવું બહાનુ આપે છે કે મારી પાસે ટાઇમ નથી. જો મોદી વડાપ્રધાન થઇને પણ પોતાના શરીર માટે સમય ફાળવી શકતા હોય તો આપણે તો હેલ્થ માટે સમય ફાળવી જ શકીએ.